ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ ગુડા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજનાના આવાસોનું ખાતમૂહુર્ત અને અન્ય રૂ. ર૧૭ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, જ્યાં માનવી ત્યાં સુવિધાના ભાવ સાથે આ સરકાર હરેક નાગરિકની સુખાકારી માટે સંકલ્પબદ્ધ છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે સૌના સાથ સૌના વિકાસ મંત્રને સાકાર કરતાં અમે વિકાસ કામો માટે પંદર વર્ષમાં રૂ. ૧ લાખ ૭ર હજાર કરોડના બજેટ નાણાં ફાળવ્યા છે.
આ સરકાર ગરીબ, વંચિત, શોષિત, સામાન્ય માનવીની દરકાર કરનારી સંવેદનશીલ સરકાર છે. દેશમાં ર૦રર સુધીમાં દરેક ગરીબને ઘરનું ઘર, હરેક ઘરને વીજળી, પાણી અને ઉજ્જવલાથી ગેસ કનેકશન આપીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની મુહિમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના વિઝનરી નેતૃત્વમાં ઉપાડી છે.
તેમણે ૧૯૯પ પછીના શાસનમાં ગુજરાતના ઉત્તરોત્તર વિકાસની ભૂમિકા આપતા કહ્યું કે, રાજ્યમાં કોમી સંવાદિતાથી દિવાળી-નવરાત્રી-મહોરમ જેવા તહેવારો ઉજવાય છે. નર્મદાના પાણી ગામડે-ગામડે પહોચ્યા છે અને ટેન્કર રાજને દેશવટો મળ્યો છે. કપાસનું ઉત્પાદન સાત લાખ ગાંસડીથી સવા કરોડ ગાંસડીએ પહોચ્યું છે. પશુપાલન, દૂધ ઉત્પાદનમાં ગુજરાત દેશમાં મોખરે છે.
આ બધો નરી આંખે જોઇ શકાય એવો વિકાસ ઇટાલિયન ચશ્મા પહેરેલા લોકોને નહિ દેખાય તેવી ટિપ્પણી તેમણે કરી હતી. ૪પ વર્ષ એક હથ્થુ સત્તા ભોગવનારા લોકોએ કોઇ વિકાસ કર્યો જ નહિ, આજે પણ તેમના પક્ષની સરકારો વાળા રાજ્યોના વિકાસ સાથે ગુજરાતના વિકાસની તૂલના માટે ખૂલ્લા મંચ પર ચર્ચા કરવા તેમણે વિપક્ષને આહવાન કર્યુ હતું.
વિપક્ષી યુવા નેતા રાહૂલ ગાંધીના ગુજરાત પ્રવાસની આલોચના કરતાં જણાવ્યું કે, વિકાસની ટિકા કરનારાઓ પહેલાં એ જવાબ આપે કે ગુજરાત વિરોધી માનસિકતાથી તમે કેટકેટલો અન્યાય ગુજરાતને અત્યાર સુધી કર્યો છે.
સરદાર સાહેબ જેવા લોહપુરૂષની સતત અવગણના કરી, તેમના સ્ટેચ્યૂ કયાંય ન મૂકયા અને તેમને ૪૦-૪૦ વર્ષ સુધી ભારતરત્ન પણ ન આપ્યો તે ગુજરાત વિરોધી માનસિકતા જ છે ને? તેમણે એવો વેધક સવાલ કર્યો કે, સાત-સાત વર્ષ સુધી નર્મદા ડેમના દરવાજા મૂકવાની પરવાનગી ટલ્લે ચડાવીને તમે ગુજરાતની પ્રજાને તરસી રાખવાનું પાપ કેમ કર્યુ?
નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે પારદર્શી-ભ્રષ્ટાચાર રહિત સુશાસનનો પાયો નાંખ્યો છે અને વિકાસની હરણફાળ ગુજરાતે ભરી છે તેનાથી જેમના પેટમાં તેલ રેડાયું છે એ લોકો હવે રઘવાયા થયા છે.
‘‘અમે રક્ષાબંધન જેવા પવિત્ર પર્વે બહેનો-માતાઓને ઘરના ઘરના ખોટા ફોર્મ ભરાવી બહેનોની મશ્કરી કરનારા લોકો નથી’’ એમ સ્પષ્ટ જણાવતાં વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે જે કહેવું તે કરવું એ જ અમારી કાર્યસંસ્કૃતિ છે. અમે સૌના સાથ સૌના વિકાસથી સૌને સાથે લઇને વિકાસની નવી દિશા-વિકાસની રાજનીતિ કરી છે.
કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશનમાં ગુજરાતના ૬ શહેરોમાં ગાંધીનગરને પણ સ્થાન મેળ્યું છે તેની વિગતો આપતાં કહ્યું કે, રૂ. પ૦૦ કરોડની સ્માર્ટ સિટી વિકાસ માટે ફાળવણી અને આવાસ, ગટર, ડ્રેનેજ, પાણી, બાગ-બગીચા જેવી આધુનિક સવલતોથી જનજીવનને વધુ સુવિધાસભર બનાવ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત વિવિધ આવાસ યોજનાનો ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં ટી.પી. સ્કીમ-૬ કુડાસણમાં એમ.આઇ.જી-૧ પ્રકારના ૨૪૦ આવાસો, ટી.પી. સ્કીમ-૧૯ રાયસણમાં એમઆઇજી-ર પ્રકારના ૩૯૨ આવાસોનો ડ્રો, ભૂમિપુજન અને નામકરણ જ્યારે ટી.પી. સ્કીમ નં. ૧૦ અડાલજમાં એલ.આઇ.જી.-ર પ્રકારના આવાસોનું લોકાર્પણ, અડાલજ ખાતે ડ્રેનેજ પંપિંગ સ્ટેશન, કુડાસણ, સરગાસણ, વાવોલ, રાસયણ અને પેથાપુર ખાતે બંધાનારા બગીચાઓનું ખાત મૂહુર્ત, એમ્યુઝમેન્ટ પાર્ક, રંગમંચનું ભૂમિપૂજન ઉપરાંત ટી.પી.સ્કીમ નં.૩,૪,૫ અને ૧૮ રાયસણ, રાંદેસણ માટે પાણી પુરવઠા યોજનાના કામોનું ખાતમુહુર્ત મળી લોક સુવિધાના કુલ રૂા.૨૧૭ કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ઉપરાંત મહાનુભાવોના હસ્તે કરાયું હતું.
Home Gujarat Gandhinagar ગાંધીનગરના રૂ. ર૧૭ કરોડના વિકાસ કામો-આવાસ કામોનું મુખ્યરમંત્રીના હસ્તે લોકાર્પણ