ગણેશગઢ નજીક હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવ્યો : ફુલસરના રીક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો
ભાવનગરના ભાલ પંથકમાં કટલેરીનો સામાન વેચવા ગયેલી ફુલસરની મહિલાનો હત્યા કરાયેલી હલતે મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. હત્યાના આ બનાવની મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ રામાપીરના મંદિર પાસે રહેતા દક્ષાબેન શ્રવણભાઈ રાઠોડ ઉં.વ. ૪૦ ભાવનગર નજીકના વેળાવદર ભાલ તાબેના ગણેશગઢ ગામે કટલરી માલસામાનની ફેરી કરવા ફુલસરના સાજણ રાજનભાઈ આલગોતરની રીક્ષા બંધાવી ગયા બાદ ગણેશગઢથી ગોકુલપરા તરફ જવાના રોડ પર દક્ષાબેનની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી.આ બનાવની જાણ થતાં વેરાવદર પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને દક્ષાબેનના મૃતદેહને ભાવનગર હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.આ બનાવ અંગે મૃતક દક્ષાબેનના પતિ શ્રવણભાઈ ઉર્ફે કડી હીરાભાઈ રાઠોડે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે તેના પત્ની અને અન્ય મહિલાઓ રીક્ષામાં જઈ ભાલ પંથકમાં કટલરી ની વસ્તુઓ વેચવા જતા હોય છે . પરંતુ ગઈકાલે તેમના પત્ની એકલા જ ફુલસર વિસ્તારમાં જ રહેતા સાજણભાઈ અરજણભાઈ આલગોતરની રીક્ષામાં ભાલ પંથકમાં ગયા હતા ત્યારે રીક્ષાચાલક સાજણભાઈ આલગોતરે કોઈપણ કારણોસર તેના પત્ની ઉપર લોખંડના પાઇપના ઘા મારી હત્યા કરી રીક્ષા લઈ નાસી છૂટયો હતો. પોલીસે મૃતદેહ નજીકથી લોખંડનો પાઈપ કબજે કરેલ છે. વેળાવદર પોલીસે હત્યાનો ગુનો નોંધી રીક્ષા સાથે નાસી છૂટેલા આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આ બનાવની તપાસ પો.સ.ઈ. આઈ. ડી .જાડેજા ચલાવી રહ્યા છે.