લસણ છોલવાની કળા!!! (બખડ જંતર)

74

આજે પણ કેટલાક લોકો છદ્મ આતંકવાદી છે. તમને ખુશખુશાલ જોઈને પેટમાં કચ્ચી ઘાની કા ખાનેકા શુધ્ધ કચ્ચા ડબલ રિફાઇન્ડ સરસવ કા તેલ રેડાય છે. કેમ કે સ્વયં એરંડિયા-દીવેલના બ્રાંડ એમ્બેસેડર હોય છે. ખુશ થવું નહી કે હસવું નહી એ તેમનો મુદ્રાલેખ હોય છે. મેં ચાંદલિયો કે તોપનો મોરો કોના તરફ રાખ્યો છે તેના માટે બને રહીએ મેરે સાથ!!
રવિવારની સવારે રસરંગ પૂર્તિ વાંચતા હોઇએ ત્યાં રસોડામાં જેનું એપિસેન્ટર હોય ત્યાંથી વાવાઝોડું ઉદ્દભવે એને ડ્રોઈંગ રૂમમાં ત્રાટકે!!
“ આ છાપામાં ડુંગળી ડોળા ખોડયા છે તો કાંઈ મારા કામમાં મદદ કરો. તમારે નવરાકુલ્લે નગારા છે. વગાડ્યો રાખો છો”ઉકળાટ ઠલવાય એટલે ખુશનુમા વાતાવરણ વૈશાખના મધ્યાહ્નમાં રૂપાંતરિત થાય!!
“ બોલ ડાર્લિંગ શું કરવાનું છે? ખાંડણિયામાં મારુ માથું ખાંડવાનું છે” તમે વાતાવરણ હળવું કરવાની કોશિશ કરો.
આ બધી માથાકૂટના અંતે તમને લસણ છોલવા કે ફોલવાની ભગીરથ કામગીરી એસાઈન થાય. લસણ ફોલના/છોલવા/ખોલવા વિશે તજજ્ઞો-જેણે એક કળી લસણ ફોલેલ નથી ,તે તમામ નિષ્ણાતોમાં વિતંડાવાદ છે. મતમતાંતર છે. ટુંકમા કોઈ સર્વ સામાન્ય સહમતિ સંધાઈ નથી. આપણી ગેરેંટી છે કે સંઘ કાશીએ પહોંચશે નહી.
તમને લસણના પ્રકાર ખબર ન હોય તો કોઈ મોટો દોષ નથી.લસણ ફોલવા કે છોલવા માટે ન્યુનતમ બે વાડકા અથવા આજનું ન હોય તેવું અખબાર હોય તો કામગીરી કાર્યાન્વિત કરી શકાશે. લસણ ફોલતા વખતે પંખો બંધ કરવો અતિ આવશ્યક અને અનિવાર્ય બની રહે છે.અન્યથા કોઈ ગુજરાતી પ્રોડયુસર “ફોતરા ફેલાયા દીવાનખંડ મધ્યે “ જેવા ટાઈટલવાળી અર્બન ફિલ્મ ઉતારી નાંખશે તમને રોયલ્ટી પેટે કાણી પાઈ પણ પરખાવશે નહી.
મહત્વની બાબત એ છે કે કાકડી, પપૈયું, બટાકા, કીવી કેરી છોલવા છાલ ઉતારવાના પીલર આવે છે. કોઈ માઈના લાલ કે લાલીએ લસણ છોલવા મેઈક ઈન ઇન્ડિયા કે આત્મ નિર્ભર કે સ્ટાર્ટ અપ રે એસએમએસઇ હેઠળ ઈનોવેટીવ ઇન્વેન્શન કરવા લમણાઝીક સુધ્ધા કરેલ નથી એ લસણકૂળના લવરમૂંછીયા લસણનું ધગધગતું અપમાન છે. જે કોઈ કાળે કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહી. !!!
હવે આપણે લસણ અને ડુગળીને છોલવા કે ફોલવાનો પણ ગહન, વિશદ અને ગુણવત્તાત્મક તુલનાત્મક અભ્યાસ કરી લઈએ. (આવું લખવાથી આપણી અભ્યાસુ હોવાની છાપ ને છાકો પડે છે. ડુગળી ઘરવાળી જેવી ( મનગમતી કલ્પના કરવાનું તમારા પર છોડું છું ગોરધનો) હોવાથી આંખે પાણી લાવી દે છે. જોયું પત્ની પીડિત પાકેલા પતિઓના ચહેરા પર ઠંડા પવનની લહેરખી જેવી રોનક આવી ગઈ!! તમે હેલ્મેટ લગાવીને ડુંગળીના પડ ઉતારો કે સમારો આંખમાં પાણી આવશે આવશે મે આવશે જ! આ અમારી નિશુલ્ક ગેરેન્ટી કમ વોરંન્ટી છે. અમારો દાવો છે કે લસણ છોલતાં કે ફોલતા તમારી રોબોટિક આંખમાં લગીરે ગ્લીલીરીન લગાડેલા કે મગરના કે એકદમ રીયલ મોતી જેવા મૂલ્યવાન આંસુ છૂટક કે જથ્થાબંધ ધોરણે આવશે નહી.
તમે જો માર્ક કર્યું હોય તો લસણ અને ડુંગળી તરફ ઓરમાયું વર્તન કરવામાં આવે છે. કેટલાક લોકો તેને ઉતાનપાદના ઓરમાન દીકરા ધ્રુવ સાથે સરખાવે છે. આપણા નાણા મંત્રી લસણ- ડુંગળી વાપરતા ન હોવાથી વધેલા ભાવ બાબતે હાથ અધ્ધર કરી દે છે!!!કેટલાક લોકે વટ કે સાથ કહે છે કે અમે લસણ, ડુંગળી કે ઈંડાને હાથ લગાડતા નથી . ફોતરા ફેંકીને બાકીનું વાપરીએ છીએ. લસણ/ ડુંગળી કેવી રીતે તામસિક ગણાય અને બાકીની સાત્વિક ગણાય તે અંગે એસીપી દયાએ કે કરમચંદે કોઈ તપાસ કેમ કરી નથી? જે લોકો લસણ/ ડુગળી વાપરતા નથી તેના વિકાર કે તમોગુણમાં લેશમાત્ર ઘટાડો થયેલ નથી તે બાબત ભૂલવી ન જોઈએ!!
લસણ ફોલવા કે છોલવા માટે જાતે જ છોલાવું પડે છે. આઈ મીન તેના માટે ગ્રેજયુએટ કે ડિપ્લોમા, માસ્ટર ગ્રેજયુએટ કે વિધા વાચસ્પતિ એટલે કે પીએચડીના કોર્ષ ચાલતા નથી!!ઓપન કે સ્વનિર્ભર યુનિવર્સિટીમાં પણ ડીસ્ટન્સ લર્નિંગ એટલે કે એકલવ્ય આત્મનિર્ભર અભ્યાસક્રમ ચાલતા નથી. આટલા ગહન મુદા પર સરકારે શ્વેતપત્ર બહાર પાડેલ નથી. કોઈ દેશ સાથેના દ્વિપક્ષીય કરારમાં તેનો સમાવેશ કરેલો નથી !! આઈઆઈએમ કે આઈઆઈટીની જેમ નેશનલ સંસ્થા શરૂ કરેલ નથી.
હસી મજાક બહું થઈ. હવે કામ પર લાગી જઈએ. આપણે બંધુવા મજદૂર કે આવું ગાવાની મનાઈ છે. સાયલેન્સર લગાડી ગાવામાં કોઈ વાંધો નથી. શ્રી ગણેશ વંદનાથીલસણ ફોલવાનું કામ કરવાથી બરકત આવશે. એલા ભાઈ આમાં બરકત લાવીને હોટલ રેલ્ટોરંન્ટના લસણ ફોલવાના હોલસેલ ટેન્ડરો કયાં ભરવાના છે?કુંવારિકાના શુકન લઈ લસણ ફોલવાથી સફળતા મળવાની તકો વધી જશે. ૧૨.૩૯ વિજય મુહૂર્તમાં લસણ ફોલનારનો વિજય જ વિજય છે.
લસણ ફોલવાનો પૂરક રોજગાર કરવા ઈચ્છુક એન્ટરપ્રિન્યોર પાસે નખ હોવા એ પ્રોફેશનલ સ્કૂલની રિકવાયરમેન્ટ લેખાશે. આમ, તો નખ વધવા એ આદમિયત નહી પણ જંગલિયતની નિશાની ગણાય છે!! અપિતું અત્રે નખ વધેલા હોવાથી લસણ ફોલવામાં અડધી સફળતા ગણાશે.
લસણ વિશે પણ દાર્શનિક બાબતો નોંધી લઈએ. લસણ એક કળીનું કે વધુ કળીનું આવે છે. લસણની એક કરતા વધુ કળીઓના સમૂહને લસણનો ગાંઠિયો કહેવાના આવે છે. શોભાના ગાંઠિયાના વર્ગીકરણમાં તેનો સમાવેશ થતો નથી. આશ્રર્ય એ વાતનું છે કે વણેલા કે ફાફડા ન હોવા છતાં લસણની કળીઓના સમુહને ગાંઠિયો શા માટે કહેવામાં આવે છે કે વિશે કંદોઈ જગત ફોડ પાડીને જવાબ આપવાના બદલે રહસ્યને્‌ અમલ-અફીણની જેમ ઘૂંટયે રાખે છે . મિ . લોર્ડ જવાબ દેવા હી પડેગા!!
લસણનો ગાંઠિયો ખોલવો એ કળા છે. દુશાસને દ્રોપદ્રીના ચિર હરેલા તેવી રીતે લસણના ફોતરા દૂર કરવા પડે છે. અહીં કૃષ્ણ ચિર પૂરવા આવતા ન હોવાથી તમારું કામ સરળ રહે છે. લસણનો ગાંઠિયો એ લાકડીની ભારીના જેમ એકતા, સંપ , સહકારનુ ધ્યૌતક છે. જોયું છાકો પડી ગયોને!! થોડા અઘરા શબ્દોનું ટોપીંગ કે ગાર્નિશિંગ કરવાથી લેખની એસ્થેટિક વેલ્યુ વધી જાય છે!!!
લસણનો ગાંઠિયો છૂટો કર્યા પછી એકમેકને રાઘાકૃષ્ણને માફક પારસ્પરિક આલિંગનમાં રહેલી કળીને છૂટી કરવી પડે છે. કેટલાક વાંકદેખા આને લિગલ સેપરેશન સાથે સરખાવે છે!! લસણનો ગાંઠિયો છૂટો થયેથી તેની ગુણવત્તાની ખબર પડે છે.ઘણીવાર લસણની કળી સૂકા ગયેલી કે નારીના અરમાનોની જેમ ચીમળાયેલી હોય છે. ટેકનિકલભાષામાં લસણ મરી ગયેલ છે કેમ કહેવાય.
કેરીના કરંડિયામાં એક બગડેલી કેરી બધી કેરી બગાડે છે કેમ લસણના ગાંઠિયામાં મરેલી કળી પૂરા લસણને બગાડે છે. ઘણીવાર તમામ કળી ખાલીખમ નીકળે છે. અધત્યાત્મમાં તેને દૈવ રૂઠ્‌યો છે તેમ લેખવામાં આવે છે.
લસણના ગાંઠિયામાંથી કળીઓ છૂટી પાડ્યા પછી જ ખરાખરીનો જંગ શરૂ થાય છે. લસણની કળીમાં ભીનાશ કે ભેજ હોય તો કે કાચું લસણ છે, જે કળી પરથી છાતરા કે ફોતરા ઉતારવા એ કોલસા ચાવવા જેવું ભગીરથ કાર્ય છે.!!
લસણની કળીને હાથમાં ગ્રહણ કરવી એ નજાકત કે આભિજાત્યનું કામ છે.અંગુઠા અને પહેલી આંગળી વચ્ચે લસણની કળી પકડી કળીનો આંગળના ભાગ કાગળ કે કઠોર સપાટી પર બળપૂર્વક કે ભાર દઈને રગડવા કે ઘસવાનો છે. જેથી ફોતરા અને કળી વચ્ચેનું બોન્ડીંગ લુઝ થાય ને ફોતરા સરળતાથી કાઢી શકાય. અહીં વજન વધારે આપવાથી કળી તૂટી જશે અને કળીના બંને ભાગના ફોતરા ઉતારતા નવેનેજા ઉતરશે!!
જે લોકોએ લસણ ફોલેલ નથી તે મોક્ષનો અધિકારી કેવી રીતે બની શકે? આ બાબતે કયામતના દિવસે જવાબ આપવો પડશે!! લસણ ફોલીને શબરીની જેમ લસણ લઈને ઘરવાળીને અર્પણ કરશો તો શાબાશી મળવાના બદલે કંઈક ને કંઈક નુખ્સ કાઢવામાં આવશે તમે આ લખી રાખજો. જો વાંક ન નીકળે તો મારુ નામ બદલી નાંખીશ.

– ભરત વૈષ્ણવ

Previous articleભારતે ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડને પાંચ વિકેટે પરાજય આપી શ્રેણી જીતી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે