રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ૯૯.૧૮ ટકા મતદાન, ૨૧મીએ પરિણામ

12

દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું :૭૩૬માંથી ૭૩૦ સાંસદોએ મત આપ્યો, ૬ સાંસદોએ મતાધિકારનો પ્રયોગ કર્યો નથી, અનેક સ્થળે ક્રોસ વોટિંગ
નવી દિલ્હી, તા.૧૮
દેશને ૨૧ જુલાઈએ નવા રાષ્ટ્રપતિ મળવાના છે. આજે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યોજાયેલું મતદાન પૂર્ણ થઈ ગયું છે. સવારે ૧૦ કલાકે મતદાનની શરૂઆત થઈ હતી અને સાંજે ૫ કલાકે મતદાન પૂર્ણ થયું છે. આ દરમિયાન ૭૩૬માંથી ૭૩૦ સાંસદોએ પોતાનો મત આપ્યો છે. સાંસદોનું મતદાન ૯૯.૧૮ ટકા થયું છે. તો ૬ સાંસદોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો નથી. નોંધનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ અને સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા વચ્ચે ટક્કર છે. પરંતુ સમર્થન જોતા દ્રૌપદી મુર્મૂની જીત નક્કી માનવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ ૨૧ જુલાઈએ જાહેર કરવામાં આવશે. ૨૫ જુલાઈએ નવા રાષ્ટ્રપતિ શપથ લેશે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગુજરાતમાં ગાંધીનગર ખાતે પ્રથમ ક્રોસ વોટિંગ થયું હતું. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપને સમર્થન આપતા જોવા મળ્યાં છે. જેથી દ્રૌપદી મુર્મૂના જીતની આશા પ્રબળ બની છે. ખુદ કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગનો સ્વીકાર કર્યો છે. એનસીપીના આદેશને અવગણીને આ જાહેરાત તેમણે કરી છે. એનસીપીએ એ કોંગ્રેસનુ સહયોગી દળ છે, ત્યારે કાંધેલ જાડેજાનુ ક્રોસ વોટિંગ અનેક સવાલો પેદા કરે છે. યુપીમાં સપાના બરેલીના ભોજીપુરા એમએલએ શહઝીલ ઈસ્લામે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું છે. તેમણે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને મત આપ્યો છે. ઓડિશાથી કોંગ્રેસ ધારાસભ્ય મોહમ્મદ મુકીમે દાવો કર્યો છે કે, તેમણે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને મત આપ્યો છે. એઆઈયુડીએફના ધારાસભ્ય કરીમુદ્દીન બરભુઈયાએ દાવો કર્યો છે કે, કોંગ્રેસના ધારાસભ્યોએ આસામમાં ક્રોસ વોટિંગ કર્યું છે.

Previous articleપાયોનીયરિંગ શિબિરમાં ગાંઠો અને તેના ઉપયોગ વિશે માહિતી મેળવતા સ્કાઉટ ગાઈડ
Next articleદેશના રાષ્ટ્રપતિની ચૂંટણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના ધારાસભ્યોએ મતદાન કર્યું