હોસ્પિટલના રૂમ સહિતના અનેક ઉત્પાદનો-સેવાઓ ઉપર જીએસટી : લોટ-ચોખાના ૧૦-૧૦ કિલોના ૩ પેકેટ હોય તો કુલ વજન ૩૦ કિગ્રા થવા છતાં પણ પેકેટ અલગ હોવાના કારણે ગ્રાહકે જીએસટી ચૂકવવો પડશે પડશે
નવી દિલ્હી, તા.૧૮
જીએસટી કાઉન્સિલના નિર્ણય પ્રમાણે આજથી એટલે કે, ૧૮મી જુલાઈથી લોટ, દહીં, પનીર, હોસ્પિટલના રૂમ સહિતના અનેક ઉત્પાદનો અને સેવાઓ ઉપર ૫ ટકા જીએસટી લાગુ થઈ ગયો છે. આ કારણે આજથી આ વસ્તુઓની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળશે. કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઈસી)એ જીએસટીનો નવો નિયમ લાગુ થયો તેના એક દિવસ પહેલા નોટિફિકેશન બહાર પાડીને કેટલીક સ્પષ્ટતાઓ પણ કરી છે. બોર્ડના કહેવા પ્રમાણે જીએસટીના ક્ષેત્રમાંથી બહાર રહેલા આ ઉત્પાદનો અને સેવાઓને હવે જીએસટીમાં આવરી લેવામાં આવ્યા છે. જોકે કેટલાક નિયમો હજુ પણ આ ઉત્પાદનોને જીએસટીના ક્ષેત્રમાંથી બહાર રાખી શકશે. સીબીઆઈસીએ ગ્રાહકોને જીએસટી ભર્યા વગર આ વસ્તુઓ ખરીદવા માટેનો રસ્તો બતાવ્યો છે. તેમાં કેટલીક પ્રી-પેક્ડ પ્રોડક્ટ્સ છે જે પહેલેથી જ પેકિંગમાં આવે છે. સીબીઆઈસીના કહેવા પ્રમાણે ૨૫ કિગ્રા સુધીનું વજન ધરાવતા લોટ, દાળ, ચોખા કે કોઈ પણ અનાજના સિંગલ પેકિંગને લેબલ્ડ પ્રોડક્ટ માનવામાં આવશે અને તેના ઉપર ૫ ટકા જીએસટી લાગુ થશે. અત્યાર સુધી આ વસ્તુઓમાં ટેક્સ છૂટ મળતી હતી. પરંતુ ૨૫ કિગ્રાથી વધારે વજન ધરાવતા લોટ, ચોખા કે અન્ય સામગ્રીના પેકેટ પર કોઈ જ જીએસટી નહીં લાગે. લોકોની ચિંતામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને સરકારે પ્રી-પેક્ડ અને લેબલ્ડ કોમોડિટીની કેટેગરી અંગે સ્પષ્ટતા કરી છે. સરકારે જણાવ્યું છે કે, ૨૫ કિગ્રાથી વધારે વજનના લોટ, ચોખા, દાળ કે અન્ય અનાજના પેકેટને આ કેટેગરીમાં નહીં ગણવામાં આવે. આ કારણે આ પ્રકારના પેકેટ પર કોઈ જ જીએસટી નહીં લાગે.
સરળતાથી સમજીએ તો છૂટક વેચાણ માટેની ૨૫ કિગ્રા વજનની લોટની થેલી કે બોરી ઉપર ૫ ટકા જીએસટી લાગશે અને ગ્રાહકે તે મુજબ પૈસા ચુકવવા પડશે. પરંતુ જો ગ્રાહક લોટની ૩૦ કિગ્રા વજનની બોરી કે પેકેટ ખરીદશે તો તેના પર કોઈ જ જીએસટી નહીં લાગે.પરંતુ જો કોઈ પ્રોડક્ટનું વજન ૨૫ કિગ્રાથી વધારે છે પણ તે સિંગલ પેકમાં નથી તો પણ ૫ ટકાનો જીએસટી ચુકવવો પડશે. મતલબ કે, ૧૦-૧૦ કિલોના ૩ પેકેટ હોય તો કુલ વજન ૩૦ કિગ્રા થવા છતાં પણ પેકેટ અલગ હોવાના કારણે જીએસટી ભરવો પડશે.
સૌથી પહેલા કઈ ચીજો મોંઘી થશે તે જાણી લઈએ :
– પ્રિ-પેક્ડ અને લેબલ્ડ ફૂડ આઈટમ પર ૫ ટકા જીએસટીલાગશે. ઉદા. લોટ, પનીર અને દહીં.
– રૂ. ૫,૦૦૦થી વધારે ભાડું ધરાવતા હોસ્પિટલ રૂમ પર ૫ ટકા જીએસટી.
– નકશા અને ચાર્ટ પર ૧૨ ટકા જીએસટીલાગશે. તેમાં એટલાસ પણ સામેલ છે.
– ટેટ્રા પેક પર ૧૮ ટકા જીએસટીલાગશે.
– બેન્કો જે ચેકબૂક ઈશ્યૂ કરે તેના પર પણ ૧૮ ટકા જીએસટીલાગશે.
– પ્રિન્ટિંગ, રાઈટિંગ, ડ્રોઇંગ ઈન્ક જેવી પ્રોડક્ટ, કટિંગ બ્લેડ સાથેના ચપ્પુ, પેપર કાપવાના ચપ્પુ, પેન્સિલ છોલવાના સંચા, એલઈડીલેમ્પ, ડ્રોઇંગ અને માર્કિંગ ઇન્સ્ટ્રૂમેન્ટ પર ૧૨ ટકાના બદલે ૧૮ ટકા જીએસટીલાગશે.
– સોલર વોટર હીટર પર હાલમાં ૫ ટકા જીએસટીછે જે વધીને ૧૨ ટકા થયો.
– રોડ, પુલ, રેલવે, મેટ્રો, ગંદા પાણીના ટ્રીટમેન્ટ માટેના પ્લાન્ટ, સ્મશાનગૃહ પર પણ ૧૨ ટકાના બદલે ૧૮ ટકા જીએસટીલાગશે.
– ઇલેક્ટ્રિક પંપ (મુખ્યત્વે પાણી કાઢવા માટે વપરાતા હોય), ડીપ ટ્યુબવેલ ટર્બાઇન પંપ, સબમર્સિબલ પંપ, સાયકલ પંપ પર ૧૮ ટકા જીએસટીરહેશે.
– અનાજની સફાઈ, કઠોળનું ગ્રેડિંગ, બીજના ઉપયોગમાટે મશીનો, ઘંટી ઉદ્યોગ અથવા અનાજ પ્રક્રિયા માટે મશીનરી, પવન ચક્કી, હવા આધારિત લોટ ચક્કી, વેટ ગ્રાઇન્ડર પર ૧૮ ટકા જીએસટી
– ઇંડા, ફળ અથવા અન્ય કૃષિ ઉત્પાદનો અને તેની સફાઈ, વર્ગીકરણ અથવા ગ્રેડિંગ માટે વપરાતા મશીનો પર પણ ૧૮ ટકાનો દર રહેશે.
હવે કઈ વસ્તુઓ સસ્તી થશે તે જાણીએ :
– રોપવેથી લોકોના પરિવહન પરનો ટેક્સ ૧૮ ટકાથી ઘટીને ૫ ટકા થશે.
– ઓસ્ટોમી એપ્લાયન્સિસ પરનો ટેક્સ ૫ ટકા થશે.
– ડીઝલનો ખર્ચ સામેલ હોય તે રીતે ટ્રક અથવા ગુડ્સ કેરિયર ભાડે આપવા પર ૧૮ ટકાના બદલે ૧૨ ટકા ટેક્સ લાગશે.
– નોર્થ ઈસ્ટના રાજ્યોમાં હવાઈમાર્ગે પેસેન્જરોને લઈ જવા પર જીએસટીમાં માફી મળશે. જોકે, આ માફી માત્ર ઈકોનોમી ક્લાસ પૂરતી મર્યાદિત હશે.
– બેટરી પેક સાથેના અથવા બેટરી પેક વગરના ઈલેક્ટ્રિક વ્હીકલ્સ પર ૫ ટકાના રાહત દરે જીએસટીલાગુ થશે.