શહેરના ૪ વોર્ડમાં ૫૩ મિલ્કતોને નોટીસ ફટકારી પરંતુ ૧૫ દિવસના અંતે એક પણ સામે કાર્યવાહી નહિ
ભાવનગર મહાપાલિકાએ ગેરકાયદે અને મંજૂરી મેળવ્યા વગર થતા બાંધકામો સામે કાર્યવાહી માટે તલવાર તો તાણી પરંતુ કાર્યવાહીમાં કોઈએ હાથ બાંધી દીધા હોય તેમ ૭ ના બદલે ૧૫ દિવસ વીત્યા છતાં સમ ખાવા પૂરતી કાર્યવાહી નહિ થતા નગરજનોમાં અનેક સવાલ ઉઠ્યા છે.શહેરમાં ગેરકાયદે બાંધકામો આડેધડ રીતે થઈ રહ્યા છે છતાં તંત્ર મુકપેક્ષક બની ગયું હોવાની ચૂંટાયેલા સભ્યોએ તડાપીટ બોલાવી હતી. આથી કાર્યવાહી નહિ રોકવા તંત્રએ ખાતરી માંગી હતી જેમાં શાસકો સહમત થયા હતા. આથી ગત ૨ જુલાઈથી શહેરના કાળીયાબીડ, ગામ તળ, કુંભારવાડા અને દ.કૃષ્ણનગરમાં તપાસમાં નીકળી પડી ટાઉન ડેવલપમેન્ટ વિભાગની ટીમે ઉક્ત ચારેય વોર્ડમાં અનુક્રમે ૨૩, ૨૩, ૦૬ અને ૧ મિલકત ગેરકાયદે રીતે ઉભી થતી હોવાનું પકડી પાડી ૨૬૦-૧ મુજબ આધાર પુરાવા દિન ૭ માં રજૂ કરવા જણાવ્યું હતું. તંત્રએ કાર્યવાહીનો પ્રારંભ કર્યાના આજે ૧૫ દિવસ વીત્યા છતા હજુ સુધી કોઈ કિસ્સામાં કાર્યવાહી નહિ થતા ગાજયા મેઘ વરસ્યા નહિ તે ઉક્તિ સાચી ઠરી રહી છે.! મિલકત માલિકોને પણ જાણે તંત્રની નબળાઈની જાણ હોય તેમ ૫૩ મિલકત પૈકી ૨૦ કેસમાં જ જવાબ રજૂ કરવા ગંભીરતા દાખવાઈ છે, અન્યો આસામીઓ જાણે તંત્રને ગણકારતા જ ન હોય તેમ જવાબ રજૂ કરવા આગળ આવ્યા નથી.