મહુવાના વાઘનગર વન વિસતારમાં બાવળની કાંટ પાસેથી કિશોરની હત્યા કરાયેલી દાટેલી લાશ મળી આવતા ચક્ચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા પી.આઈ. સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને બહાર કાઢી પેનલ પીએમ અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડાઈ હતી.
મહુવા તાલુકાના વાઘનગર વન વિસ્તારમાં બાવળની કાંટ પાસે સગીરની હત્યા કરી લાશ દાટી દીધી હોવાની માહિતી મળતા પીઆઈ વારોતરીયા સહિતનો સ્ટાફ બનાવસ્થળે દોડી ગયો હતો અને લાશને બહાર કાઢતા અને ઓળખ કરાવતા આ લાશ જેસર તાલુકાના છેતરાણા ગામના વતની અને હાલ ખુંટવડા ગામે રહેતા અશોક વેલજીભાઈ બારૈયા ઉ.વ.૧પની હોવાનું ખુલવા પામ્યું હતું.
જાણવા મળ્યા મુજબ ગત શુક્રવારે અશોક બારૈયા છોકરી જોવા ગયો હતો. જ્યારે ઘટનાસ્થળે ચર્ચાઈ રહ્યાં મુજબ અશોકને કોઈ વ્યંઢળે છોકરીના અવાજમાં ફોન કરી બોલાવ્યો હતો અને હત્યા કરી લાશને દાંટી દીધી હતી. જ્યારે પોલીસના પ્રાથમિક તારણમાં ગળુ દબાવીને કિશોરની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે જરૂરી કેસ કાગળો તૈયાર કરીને પેનલ પીએમ અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડી છે. જ્યારે આરોપી હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.