બન્ને ટ્રકને ભુસ્તર વિભાગને હવાલે કરાયા
તળાજા પંથકમાં વર્ષોથી ખનીજ માફીયાઓ સક્રિય છે અને બેફામ રીતે ખનીજ ચોરી થઇ રહી છે તેવામાં ગઇકાલે ડે.કલેક્ટરને ગેરકાયદે ખનીજ ભરેલા બે ટ્રક સાથે ભેટો થઇ ગયો હતો. ડે.કલેક્ટર દ્વારા બંને ટ્રકને અટકાવી પ્રાથમિક તપાસ કર્યાં બાદ પોતાની ઓફિસના ગ્રાઉન્ડમાં જ મુકાવરાવ્યા હતાં. આ બનાવમાં ગેરકાયદે ખનીજ ભરેલ બંને ટ્રકને પોલીસને સોંપવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની સત્તા ભુસ્તર વિભાગને હોય તેથી ભુસ્તર વિભાગને બોલાવીને બંને વાહનો સુપ્રત કર્યાં હતાં. સ્વયં ડે.કલેક્ટરે ખનીજ ચોર તત્વો સામે આ પ્રકારની કાર્યવાહી કરતા તળાજા પંથકમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.
ખનીજ ચોરીના કારણે દરિયાના બીચ ઉજ્જડ બની ગયા
વર્ષોથી ખનન માફિયાઓ તળાજા પંથકમાં સક્રિય છે. તળાજા પંથકના દરિયાની રેતી હજારો ટ્રક, ટ્રેક્ટર ભરીને ખનનકર્તાઓએ કાઢી લીધી છે. નયનરમ્ય બીચમાં રેતી ઉલેચાઇ જવાના કારણે પથ્થર દેખાઇ રહ્યા છે. એજ રીતે શેત્રુંજીની રેતી ઉલેચાઇ જવાના કારણે ગોરખી ગામ સુધીના ભુગર્ભ જળ ખારા થઇ ગયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.