સીજીએસટી અને પોલીસ તંત્રની કાર્યવાહી બાદ મ્યુ. તંત્રની નોટિસ માત્રથી લક્ઝરીયસ ઓફીસનું માળખુ હટાવી લેવાયું
શહેરના નવાપરામાં બોગસ બિલિંગ મામલે સીજીએસટીના અધિકારીઓ પર હુમલા બાદ બાદ આરોપીના ઘરે તપાસ માટે ગયેલી પોલીસને અગાશીમાં ગેરકાયદે બાંધકામ હોવાનું જણાતા મ્યુનિ. તંત્રને જાણ કરાઇ હતી આથી તંત્રએ તપાસ કરતા બાંધકામ મંજુરી વગરનું હોવાનું જણાતા બે દિવસની મુદત આપી હટાવી લેવા તાકિદ કરાઇ હતી અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવા ચિમકી અપાઇ હતી. જેના પગલે ગુજરાત ડેવલોપર્સ દ્વારા ઓફીસમાં ગેરકાયદે ઉભી કરાયેલ લક્ઝરીયસ ઓફીસનું માળખુ આખરે હટાવી લેવાતા તંત્રએ કાર્યવાહીની ફરજ પડી ન હતી. નવાપરા ખાતે મહેક એપાર્ટમેન્ટમાં બોગસ બિલિંગના મામલે તપાસ માટે ગયેલા સીજીએસટીના અધિકારીઓ ઉપર હુમલો કરવાના બનાવ બાદ દરેક સરકારી ડિપાર્ટમેન્ટે તવાઈ બોલાવતા કોર્પોરેશન દ્વારા પણ મેદાનમાં આવ્યું હતું અને ગત તા.૧૫મી જુલાઈના રોજ નવાપરા મંગલ સિંહના ડેલા ખાતે બનાવેલા ફલેટની અગાશી પર ગેરકાયદેસર બાંધકામ સંદર્ભે ગુજરાત ડેવલોપર્સ ભાગીદારી પેઢીને ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા ૨૬૦/૧ ની નોટીસ આપી હતી. અને કોર્પોરેશન દ્વારા હજુ ૨૬૦/૨ની નોટિસ આપે તે પૂર્વે જ દબાણકર્તાઓ દ્વારા ફ્લેટના એ બી અને ડી વિંગમાં કન્ટેનર, શેડ સહિતના ગેરકાયદેસર બાંધકામને હટાવવાનું શરૂ કર્યું છે. મોટાભાગનું ગેરકાયદે બાંધકામ સોમવારે સાંજ સુધીમાં દૂર કર્યું હતું. બાગે રસુલ ફ્લેટનું કમ્પ્લિશન માટેની અરજી ત્રણેક મહિના પૂર્વે કોર્પોરેશનમાં કરી હતી પરંતુ. અગાસી પર ગેરકાયદેસર બાંધકામને કારણે ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા કમ્પ્લિશન આપવામાં આવ્યું ન હતું. તંત્રની લાલ આંખ થતા જ ફ્લેટમાં તાત્કાલિક ફાયર એન.ઓ.સી. પણ મેળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.