પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પસંદ થયેલા બોટાદ-ભાવનગર અને અમરેલી જિલ્લાના લાભાર્થીઓને યોજનાનું પુરતું માર્ગદર્શન મળી રહે અને તેમને આવાસ બાંધકામમાં સરળતા રહે તે હેતુથી બોટાદ જિલ્લાના ઢસા એ.પી.એમ.સી. ખાતે આગામી તા.૧૮મી મેના રોજ ઝોનલ કક્ષાનો આવાસ મેળો યોજાનાર છે.
આ આવાસ મેળાના સફળ સંચાલન અને સુચારૂ કામગીરી અર્થે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓના અધ્યક્ષો સાથે કાર્યક્રમના આયોજન સંદર્ભે બોટાદ જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીઓએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આ કાર્યક્રમમાં કોઈ પ્રકારની અગવડ ન પડે અને આ યોજનાના લાભાર્થીઓને પુરતું માર્ગદર્શન મળી રહે તે માટે ઉપસ્થિત અધિકારીઓને પરસ્પરના સંકલન સાથે વધુ સારૂ કાર્ય કરવા અનુરોધ કરી આ કાર્યક્રમના આયોજન અને અમલીકરણ બાબતે જરૂરી સુચનો કર્યા હતા.
તેમણે આવાસ યોજનાના આ કાર્યક્રમ સંદર્ભે રચવામાં આવેલ વિવિધ સમિતિઓના કામગીરી સંદર્ભે ચર્ચા-વિચારણા કરી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી.વી. લીંબાચીયા, જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી એજન્સીના નિયામક બી.એમ. વિરાણી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.