પોરબંદરમાં અધિક માસને લઇને ગઇ મોડી રાત્રે દેવ મંદિરોમાં દર્શન કરવા નીકળેલા ખારવા સમાજ ટોળા અને પોલીસ વચ્ચે સર્જાયેલા ઘર્ષણ અને તોફાનો દરમ્યાન મામલો ધાર્યા કરતાં વધુ વણસ્યો હતો. ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોના ટોળાઓ દ્વારા પોલીસ પર જોરદાર રીતે પથ્થ્થરમારો કરી હુમલો કરાયો હતો, તો પોલીસ વાહનો અને અન્ય વાહનો મળી ૨૨ વાહનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. આ સમગ્ર તોફાનોને લઇ પોરબંદર પંથકમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ પથરાઇ ગઇ હતી. આ સમગ્ર ઘટનામાં બે પોલીસ કર્મચારીઓને ઇજા પણ પહોંચી હતી. એક તબક્કે પોલીસને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ૨૫થી વધુ ટીયરગેસના શેલ છોડવાની ફરજ પણ પડી હતી. બીજીબાજુ, પોલીસે આજે આ સમગ્ર પ્રકરણમાં રાયોટીંગ સહિતની વિવિધ કલમો હેઠળ ૩૨થી વધુ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલામાં ૨૦ જેટલા લોકોની અટકાયત કરી તેમની પૂછપરછ આદરી છે. પોરબંદરમાં અધિક માસ દરમિયાન દેવદર્શનનું અનોખુ મહત્વ હોવાથી ગઇ મોડી રાત્રે ખારવા સમાજના લોકો ધૂન ભજન મંડળી સાથે પૌરાણિક પ્રથા મુજબ જુના દેવ મંદિરોમાં રાત્રીનાં દર્શન કરવા નીકળ્યા હતા જે દરમિયાન કોઈ ટીખળી ટોળકીએ તોફાન કર્યું હતું અને વાત વાયુ વેગે પ્રસરી જતા તોફાની તત્વોએ ભારે હંગામો મચાવ્યો હતો. પોલીસે ટોળાને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતાં વાત વણસી હતી અને ઉશ્કેરાયેલા ટોળાએ જોતજોતામાં પોલીસ પર જોરદાર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
ત્રણથી ચાર હજાર લોકોના ટોળાને જોઇ એક સમયે પોલીસ પણ ગભરાઇ ગઇ હતી. ટોળાના પથ્થરમારામાં ફરજ પરના બે પોલીસકર્મી ઘાયલ થયા હતા, જેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તોફાનોની પરિસ્થિતિ વધુ વકરે નહી અને તેને કાબૂમાં લેવા છેવટે પોલીસને બળપ્રયોગ કરી ટીયરગેસના ૨૫થી વધુ શેલ છોડવાની ફરજ પડી હતી. બીજીબાજુ, હિન્દુ યુવતીની છેડતી કરવામાં આવી રહી હોવાની વહેતી થયેલી અફવાને લઇ સમગ્ર મામલો બીચકયો હોવાની વાત સામે આવી રહી છે પરંતુ પોલીસે આ વાતમાં કેટલુ તથ્ય હતું અને અફવા ફેલાવનાર કોણ હતા તે સહિતની તમામ મુદ્દાઓની તપાસ શરૂ કરી છે. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં હાલ તો ૩૨ થી વધુ લોકો સામે રાયોટીંગ, સરકારી અને ખાનગી વાહનોમાં તોડફોડ અને આગચંપી સહિતના ગંભીર ગુનાઓ હેઠળ જુદી જુદી ૧૪ કલમો હેઠળ ફરિયાદ નોંધી સઘન તપાસ હાથ ધરી છે. જો કે, ગઇકાલના તોફાનોને પગલે પોરબંદર પંથકમાં અંજપાભરી શાંતિ પથરાયેલી છે અને પોલીસ દ્વારા રાત-દિવસ વિવિધ વિસ્તારોમાં સઘન અને સતત પેટ્રોલીંગ જારી રખાયું છે.