દેશભક્તિની દિશા પ્રગટાવતો આ અવસર દેશભક્તિ પ્રદર્શિત કરવાનો એક અનન્ય અવસર છે – શિક્ષણ મંત્રીજીતુભાઈ વાઘાણી
લોકોનો ઉત્સાહ જ દેશભક્તિની પ્રતીતિ છે- પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા
ભાવનગરને આંગણે યોજાયેલી તિરંગા યાત્રામાં સમગ્ર ભાવનગર શહેર રાષ્ટ્રભક્તિના ઉમંગ અને ઉત્સાહના અવસરે હિલોળે ચડ્યું હતું. જ્યાં જુઓ ત્યાં તિરંગાના ત્રી-રંગો સમગ્ર શહેરની આભા અને શોભામાં જ્યારે વૃદ્ધિ કરી રહ્યાં હતાં. ‘તિરંગા હવાઓ સે નહીં, લેકિન વીરો કી સાંસો સે લહેરાતાં’ ની પ્રતીતિ કરાવતાં રાષ્ટ્રભક્તિથી તરબોળ એવી આ તિરંગા યાત્રાનો શુભારંભ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા અને શહેરી વિકાસ મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં એ.વી. સ્કૂલ ખાતેથી કરવામાં આવ્યો હતો. આ યાત્રાની શરૂઆત વખતે જ વરસાદ પડ્યો હતો. છતાં, લોકોના આ ઉત્સાહને તે ખાળી શક્યો નહોતો અને ભાવેણાવાસીઓ મોટી સંખ્યામાં આન, બાન અને શાન સાથે આ તિરંગા યાત્રામાં જોડાયાં હતાં. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, દેશભક્તિની દિશા પ્રગટાવતો આ અવસર દેશભક્તિ પ્રદર્શિત કરવાનો એક અનન્ય અવસર છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આઝાદીના અમૃત વર્ષની ઉજવણી સમગ્ર ભારત વર્ષ કરી રહ્યું છે, ત્યારે ભારત માતાના ગૌરવને યાદ રાખીને પોતાનામાં દેશભક્તિ પ્રગટાવવાનો આ અવસર છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત માટે ખપી જનારા હુતાત્માઓને યાદ કરીને તેમને અંજલિ આપવાનો આ રૂડો અવસર છે. આ તકે મંત્રી કિરીટ સિંહ રાણાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને રાજ્ય આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ત્રિરંગા યાત્રામાં જોડાવા લોકોમાં ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. તા. ૧૨ થી ૧૫ ઓગસ્ટ ‘હર ઘર ત્રિરંગા’ લગાવવા દરેક નાગરિક માટે આનંદ અને ગૌરવની વાત છે અને આવાં સરસ આયોજન માટે સરકારી તંત્રે જહેમત ઉઠાવી રાત- દિવસ કામ કર્યું એ અભિનંદનને પાત્ર છે. જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ ‘આઝાદીના અમૃત વર્ષ’ પ્રસંગે ‘હર ઘર તિરંગા’ અન્વયે યોજાયેલી આ યાત્રામાં સામેલ થવા માટે ભાવનગરવાસીઓનો આભાર પ્રગટ કરી સ્વાગત પ્રવચન કર્યું હતું. આ યાત્રામાં ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર કિર્તીબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર કૃણાલભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, શહેર ભા.જ.પ.પ્રમુખ રાજીવભાઇ પંડ્યા, જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર બી.જે. પટેલ, પ્રાંત અધિકારીઓ, મામલતદાર તથા વિશાળ સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.