મહુવા તાલુકાના ઓથા ગામના માંગુકિયા મનુભાઈએ ગામના વિકાસ માટે રૂ.બે કરોડનો ચેક મંત્રી કિરીટસિંહ રાણાને સપ્રેમ અર્પણ કર્યો

17

ગામના જ મર્હુમ ખાનભાઈ દાદનભાઈ સેલોતના સ્મરણાર્થે રૂ.૩૫ લાખના ખર્ચે ‘અમૃત સરોવર’ બનાવીને તેમના પુત્ર ફારૂકભાઈએ વતનનું ઋણ ચૂકવ્યું
ભાવનગર જિલ્લાના પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ આજે મહુવા ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન બાદ મહુવા તાલુકાના ઓથા ગામે નવનિર્મિત થયેલ અમૃત સરોવરના લોકાર્પણ માટે પહોંચ્યાં હતાં. ઓથા ગામના મર્હુમ ખાનભાઈ દાદનભાઈના દીકરા ફારુકભાઈ બી. સેલોત દ્વારા રૂ. ૩૫ લાખના ખર્ચે આ ‘અમૃત સરોવર’ નિર્માણ કરીને સરકારને સમર્પિત કરવામાં આવ્યું છે જેનું મંત્રીએ આજે લોકાર્પણ કર્યું હતું. મંત્રીની ઉપસ્થિતિમાં આ ગામના જ અને સુરતમાં સ્થાયી થયેલા માંગુકિયા મનુભાઈ વીરજીના પુત્રો મથુરભાઈ અને રાહુલભાઈએ ગામમાં વિવિધ વિકાસ પ્રવૃત્તિઓ હાથ ધરવાં માટે ‘વતન પ્રેમ યોજના’ હેઠળ રૂ. બે કરોડનું દાન ચેકના સ્વરૂપમાં મંત્રીને હાથોહાથ સુપ્રત કર્યું હતું. મંત્રીએ આ અવસરે જણાવ્યું કે, સરકારના કાર્યમાં ખભેખભો મિલાવીને કાર્ય કરનાર અને સમાજ ઉપયોગી કાર્યો કરનાર આવાં વતનપ્રેમી લોકોનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આવા સત્કાર્યો માટે હંમેશાં આવી ઉમદા સખાવત મળતી રહે છે. રાજ્ય સરકારનો પણ આ માટે જ્યારે અને જ્યાં સહયોગ જોઈએ તે મળતો રહ્યો છે. રાજ્ય સરકારની જ એક યોજના ‘વતન પ્રેમ’ હેઠળ આ જ્યારે દાન મળ્યું છે.ત્યારે આ દાન આપનારની દાતારીને જેટલા અભિનંદન આપીએ એટલાં ઓછાં છે.આ અવસરે ફારુકભાઈ બી. સેલોત દ્વારા ગામની શાળામાં અભ્યાસ કરતાં ૬૦૦ બાળકોને અભ્યાસ કીટ આપીને સન્માનિત કર્યા હતાં. ૧૫ મી ઓગસ્ટના સ્વતંત્રતા પ્રર્વે પ્રાથમિક શાળા થી અમૃત સરોવર સુધી તિરંગા રેલી કાઢવામાં આવી હતી. જેમાં ૧૦૦ જેટલાં ફોર- વ્હીલર અને ૨૦૦ જેટલાં ટુ-વ્હીલર જોડાયાં હતાં.
જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, રાજ્ય સરકારની ‘વતન પ્રેમ યોજના’ અન્વયે ગામ લોકો દ્વારા જેટલો આર્થિક સહયોગ આપવામાં આવે છે. તેટલો જ આર્થિક ફાળો રાજ્ય સરકાર દ્વારા જે -તે ગામના વિકાસ માટે ફાળવવામાં આવે છે. ગામમાં રહીને, ભણીને મોટા થઈને આગળ બહાર જઈને બે પાંદડે થનાર વ્યક્તિઓ જ્યારે સમાજ કલ્યાણ અર્થે આવું દાન કરે છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ અવસરે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી મુકેશભાઈ લંગાળિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. પ્રશાંત જિલોવા, મહુવા પ્રાંત અધિકારી કુસુમ પ્રજાપતિ, મહુવા મામલતદાર એન.એસ. પારિતોષ સહિતના અધિકારીઓ, ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleતલગાજરડાની કન્યાશાળાનું શૈક્ષણિક ભવન પુ. મોરારિબાપુના સહયોગથી નિર્માણ થશે
Next articleમહુવા ખાતે 76માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ