મહુવા ખાતે 76માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

22

પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ ધ્વજવંદન કરી સલામી ઝીલી: વિશ્વ વંદનીય સંત મોરારીબાપુની વિશેષ ઉપસ્થિત
ભાવનગરના મહુવા ખાતે 76માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથેની ઉજવણી પારેખ કોલેજના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ ધ્વજવંદન કરી, સલામી ઝીલી, પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે પણ જોડાયાં હતાં.આ અવસરે સંત મોરારીબાપુ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં. મંત્રીએ જણાવ્યું હતું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એક ઝાટકે પોતાનું રાજ્ય સૌથી પહેલાં રાષ્ટ્રને ચરણે ધરી દીધું હતું. સરદાર વલ્લભભાઇ પટેલે 562 રજવાડાઓ એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. તો ગાંધીજીએ આખી આઝાદીની લડતનું નેતૃત્વ લીધું હતું.

આવાં વીર સપૂતો થકી જ રાષ્ટ્ર એકતાના તાંતણે બંધાયું છે. ત્યારે આવાં મહાનુભાવોના સત્કર્મોને યાદ કરી હું તેમને નતમસ્તક વંદન કરું છું. મંત્રીએ એર એમ્બ્યુલન્સ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગુજરાત માટે આશીર્વાદરૂપ બની છે.કોરોનામાં વ્યાપક રસીકરણ કરીને કોઈપણ ભૂખ્યો ન સુએ તેની સરકારે ચિંતા કરી હતી. દર શુક્રવારે બિન ચેપી રોગોનો નવતર અભિગમ અપનાવી ત્રણ કરોડ લોકોને આ યોજના હેઠળ આવરી લીધાં છે. ખેતરે- ખેતરે હરિયાળી લહેરાઈ તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવી તેમને કહ્યું કે, રાજ્ય સરકારના દૂરદર્શી અભિગમને કારણે છેલ્લાં બે દાયકાથી ગુજરાતનો કૃષિ વિકાસ દર ડબલ ડિજિટમાં રહ્યો છે. ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ઉપર વિશેષ ઝોક આપવામાં આવ્યો છે અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટે તે દિશાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ડ્રોનના ઉપયોગથી દવા છાંટીને કૃષિ ઉત્પાદન વધે તે માટે તાજેતરમાં ડ્રોન પોલિસી પણ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ગામમાં પણ પાકા રસ્તા, શૌચાલયની સુવિધા, 24 કલાક વીજળી આપીને શહેરો જેવાં બનાવ્યાં છે. રાજ્યમાં સ્માર્ટ સિટી વિકસિત થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. લોકોને ઘર આંગણે સેવા પૂરી પાડવા માટે સેવા સેતુના ઉપક્રમથી બે કરોડ લોકોને ઘર આંગણે સેવા પૂરી પાડી છે. સ્વ- સહાય જૂથોને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાની પહેલ ગુજરાતી કરી છે. ગુજરાતે મોટા પ્રમાણમાં વિદેશી મૂડી રોકાણ મેળવ્યું છે. વન અધિનિયમ હેઠળ જમીન અને વન સંપ્રદાયના અધિકાર આદિવાસીઓને આપ્યાં છે અને તે રીતે છેવાડાના માનવીને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે‌. મહેસૂલી સેવા ઝડપી અને અસરકારક બનાવવામાં આવી છે. લેન્ડગ્રેબિંગનો કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. ગુજરાતમાં શાંતિ, સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ઈ- એફ.આર.આઇ., સી.સી.ટી.વી., વિશ્વાસ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યાં છે. સિંચાઈ ક્ષેત્રે ગુજરાતે પાણીદાર કાર્ય કરી બતાવ્યું છે.કચ્છમાં નર્મદાનું વધારાનું એક મિલિયન એકર ફૂટ પાણી પહોંચાડી કચ્છની ધરાને નવપલ્લવિત કરી છે તેમ તેમને વધુમાં ઉમેર્યું હતું. ક્લીન ઉર્જા વપરાશ વધારવાના હેતુથી સમગ્ર દેશમાં સૌ પ્રથમ ઉર્જાનીતિ ગુજરાતી બનાવી છે. ગંગાસ્વરૂપ યોજના હેઠળ વિધવાઓને સહાય આપવામાં આવે છે. 2.5 લાખ સખી મંડળોને આર્થિક સ્વાવલંબન આપવામાં આવ્યું છે. શાળાઓમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અમલમાં મૂકવામાં આવ્યું છે. 2300 શિક્ષકો અને 10 હજાર પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. 36 મી નેશનલ ગેમ્સ ગુજરાતમાં રમાય તે માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે વર્ષ 2022થી 27 માટેની નવી સ્પોર્ટ્સનીતિ અમલમાં મૂકવામાં આવી છે. મંત્રીના હસ્તે જિલ્લાના વિકાસ માટે રૂા.25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં એન.સી.સી કેડેટ્સ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા પરેડ યોજી ત્રિરંગાને સલામી અપાઈ હતી. શાળાના બાળકોએ યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી. આ પ્રસંગે મંત્રીએ ભાવનગર જિલ્લાના આંતરરાષ્ટ્રીય/રાષ્ટ્રીય ક્ષેત્રે રમતગમતમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ ખેલાડીઓનું સન્માન કર્યુ હતું અને કોરોના વાયરસ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યકક્ષાના કોરોના વોરિયર્સ, અગ્રણી સ્વયંસેવકો, મહેસૂલ, પોલીસ, આરોગ્ય, 108 એમ્બ્યુલન્સ, પંચાયત તથા શિક્ષણ વિભાગના કર્મચારીઓની પ્રશંસનીય સેવાને સન્માનીત કરી બિરદાવી હતી. ધ્વજવંદન બાદ મંત્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય સર્વ કનુભાઈ કળસરિયા, મીનાબેન મકવાણા, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જીલોવા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર બી.જે.પટેલ, મહુવા પ્રાંત અધિકારી કુસુમબેન પ્રજાપતિ, નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી. ચૌધરી, મામલતદાર એન.એસ.પારિતોષ, સ્વામિનારાયણ ગુરુકુળના સંતો, જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleમહુવા તાલુકાના ઓથા ગામના માંગુકિયા મનુભાઈએ ગામના વિકાસ માટે રૂ.બે કરોડનો ચેક મંત્રી કિરીટસિંહ રાણાને સપ્રેમ અર્પણ કર્યો
Next articleભાવનગરમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિર અમરનાથની ઝાંખી કરાવતી બરફના શિવલિંગના દર્શન સાથે મંદિર દેશભક્તિના રંગે રગાયું