થરાદની નર્મદા નહેરમાં શનિવારે સાંજે પાણી પીવા ઉતરેલા દસ વર્ષના બે માસૂમ બાળકો નર્મદાની મુખ્ય નહેરમાં ગરકાવ થઇ ગયા હતા. ચાર બાળકો પૈકી બે બાળકોએ નજરોનજર આ ઘટના જોયા બાદ બૂમો પાડતા આજુબાજુ થી લોકો આવીને બચાવે તે પહેલા બહુ જ મોડું થઇ ગયું હતું.
ઘટનાના પગલે ગામમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો. એક કલાકની શોધખોળ બાદ બાળકોની લાશ બહાર કાઢતા ગામ હિબકે ચડ્યું હતું. થરાદ તાલુકાના જાદલા ગામમાં શનિવારે સાંજે ચેલાભાઇ પરમારનો ૯ વર્ષીય રતન અને પથુભાઇ પરમારનો ૧૦ વર્ષનો પુત્ર દશરથ કોઇક કામ અર્થે ખેતરથી એક કિલોમીટર દૂર ગામમાં ગયા હતા. જ્યાંથી ખેતર નજીક રહેતા અન્ય બે બાળકો સાથે ચારેય પરત ફરી રહ્યા હતા તે વખતે દશરથ અને રતન ને તરસ લાગતા બંને કેનાલમાં પાણી પીવા નીચે ઉતર્યા હતા.
તેવામાં અચાનક પગ લપસ્તા બંનેમાંથી કોઈ એક કેનાલમાં લપસ્યો હતો જેથી બીજો બચાવવા માટે તેની પાછળ હાથ લંબાવ્યો તો તે પણ કેનાલમાં ગરકાવ થઈ ગયો હતો. તે સમયે ઉપર જે બે બાળકો હતા તેમણે બૂમો પાડતા આજુ બાજુના લોકોએ પરિવારને જાણ કરી હતી. દરમ્યાન પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રથમ ગામના સ્થાનિક તરવૈયાઓએ ૨૦ મિનિટ શોધ ખોળ હાથ ધરી દશરથને બહાર કાઢી દીધો હતો. બાદમાં થરાદ પાલિકાના તરવૈયા સુલતાન મીરે બીજા બાળક રતનનો મૃતદેહ બહાર કાઢતા રોકકળ મચી હતી. જાંદલા ગામના બે માસૂમ બાળકોના કેનાલમા મોતની ઘટના એ આખું ગામ હચમચી ગયું હતું.સ્થાનિક રહીશ યશપાલ સિંહે જણાવ્યું હતું કે સાંજે ૫ઃ ૩૦ કલાકે આ ઘટના ઘટતાં બચાવ કામગીરી કરવા લોકોએ પ્રયાસો કર્યા પરંતુ બાળકોને બચાવી શકાયા નહોતા. પરિવારજનોએ બે માસૂમ બાળકો ના મોત બાદ પોસ્ટમોર્ટમ કરાવ્યું ન હતું. પરિવારજનોએ ૧૦૮ અને પાલિકાના તરવૈયાને બોલાવ્યા હતા જોકે પરિવારજનોએ આ બાબતે પોલીસને જાણ કરી ન હતી.