પાટનગરમાં પણ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. આજે પાટનગરમાં સિઝનનો સૌથી હોટેસ્ટ દિવસ નોંધાયો હતો. ગરમીનો પારો ૪૫ ડિગ્રીને આંબી ગયો છે. જે સિઝનની સૌથી વધુ ગરમી છે.
માત્ર મહત્તમ તાપમાન જ નહી પરંતુ લઘુત્તમ તાપમાન પણ સૌ પ્રથમ વખત ૩૦ ડિગ્રીને પાર થઇ ગયુ છે. જે રીતે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તે જોતા આગામી દિવસોમાં પણ તાપમાન ૪૪ થી ૪૫ ડિગ્રી વચ્ચે અથડાયા કરે તેવી શક્યતા છે. જોકે, કેટલાક વિસ્તારોમાં તાપમાન ૪૬ ડિગ્રી સુધી પહોંચવાની પણ શક્યતા છે.
આજે સવારથી સુર્ય નારાયણ આકરા મીજાજમાં જોવા મળ્યા હતા. બપોર બાદ આકાશ જાણે અગનભઠ્ઠીમાં ફેરવાઇ ગયુ હોય તેમ ગરમ લૂ શરૂ થઇ હતી. આજે રવિવારની રજા હતી જેના કારણે લોકોએ બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળ્યુ હતું. રજાના દિવસોમાં પણ જે વિસ્તારો ધમધમતા હોય છે તે વિસ્તારોમાં પણ સાંજ સુધી સ્વયંભુ કર્ફ્યુ હોય તેવો માહોલ હતો. બહાર અંગ દઝાડતી ગરમ લુ લાગી રહી હતી. જેની અસર જનજીવન પર પણ પડી હતી. ખાસ કરીને બાળકોથી લઇ વૃધ્ધોની સ્થિતી દયનીય હતી. ગરમીથી બચવા ઘરોમાં એસી ધમધમતા હતા. ગઇકાલે ચાર દિવસ પુર્વે પાટનગરમાં તાપમાનનો પારો ૪૪.૫ ડિગ્રીને આંબી ગયો હતો. જોકે, ત્યારબાદ તેમાં સતત ઘટાડો નોંધાતો રહ્યો હતો. બે દિવસ સવારના સમયે વાદળછાયા વાતાવરણની અસર તાપમાન પર પડી હતી. ગરમીનો પારો ઘટીને ૪૨.૫ ડિગ્રીએ ગગડી ગયો હતો. પરંતુ ગઇકાલે તેમાં દોઢ ડીગ્રીનો વધારો થયો હતો અને તાપમાન ગઇકાલે ૪૪ ડિગ્રી નોંધાયુ હતું. આજે પાટનગરનું તાપમાન ૪૫ ડિગ્રીને આંબી ગયુ છે. એક જ દિવસમાં એક ડિગ્રીનો વધારો નોંધાયો છે.
અંગ દઝાડતી લૂ માત્ર માનવ જ નહી પરંતુ પશુપંખી માટે પણ ઘાતક નીવડી શકે છે. આજે પાટનગરમાં સિઝનનું સૌથી ઉંચુ તાપમાન નોંધાતા આગામી દિવસોમાં પણ ગરમીનો પારો ૪૫ ડિગ્રીને આંબી જાય તેવી શક્યતા જોવા મળી રહી છે.