ભાવનગરમાં આવેલ ગૌચરણની જમીનોમાં થયેલ ગેરકાયદે પેશકદમી તથા દબાણો તત્કાલ દુર કરવાની માંગ સાથે ભાવનગરના પશુપાલકો દ્વારા ઉપવાસ આંદોલનનો માર્ગ અખત્યાર કર્યો છે અને આ અંગે સત્વરે કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત પણ કરી છે. સમગ્ર રાજ્ય સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લામાં આવેલ લાખ્ખો વિઘા ગૌચરણની જમીનો પર ભૂમાફીયાઓ દ્વારા વર્ષોથી ગેરકાયદે કબ્જોવાળી દબાણો કર્યા છે. પરિણામે પશુપાલકો પોતાના દુધાળા પશુઓના નિભાવ માટે ભારે સંઘર્ષ કરી રહ્યાં છે. તાજેતરમાં વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામે રહેતા માલધારી રેવાભાઈ ભરવાડે ગૌચરણમુક્ત કરાવવા ઉપવાસ આંદોલન શરૂ કરેલ. જેમાં તેમનું અવસાન થતા આ બાબતમાં રાજ્યભરમાં વસતા માલધારી પરિવારોમાં ઘેરા પડઘા પડ્યા છે અને આ આંદોલન વધુને વધુ વેગવંતુ કર્યુ છે.
આ અંગે ઉપવાસ પર ઉતરેલા માલધારી સમાજના અગ્રણીઓએ જણાવ્યું છે કે, ભૂમાફીયાઓને રાજકિય નેતાઓનું ખુલ્લુ સમર્થન તથા પ્રબળ પીઠબળ હોવાના કારણે દબાણો વધતા જાય છે. આથી ભાવનગર જિલ્લામાં આવેલ તમામ ગૌચરણની જમીનો દબાણમુક્ત કરવા સાથોસાથ ચમારડી ગામે આંદોલનકારી મૃતક રેવાભાઈના પરિવારને રાજ્ય સરકાર સહાય પેટે રૂા.રપ લાખ આપે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો છે.