ગાંધીનગર જિલ્લામાં તા. ૧ મે થી શરૂ થયેલ રાજય સરકારના સુજલામ સુફલામ જળ અભિયાનની પૂર્ણાહુતિનો કાર્યક્રમ આગામી તા. ૩૧મી મે, ૨૦૧૮ ના રોજ સવારે ૯.૦૦ કલાકે ગામતળાવ, છત્રાલ, અમદાવાદ – મહેસાણા હાઇવે, અમૃત હોટલની બાજુમાં, તા. કલોલ ખાતે યોજાશે.
જિલ્લા કલેકટર એસ.કે. લાંગાએ જણાવ્યું હતું કે, વિરાટ જનશક્તિનો આ પુરૂષાર્થવાળો જળયજ્ઞ દ્વારા જિલ્લામાં ૧૯૯ તળાવો ઉંડા કરવાનું મહાઅભિયાન દ્રારા જિલ્લાને પાણીદાર બનાવવાની દિશામાં નક્કર કદમ ઉઠાવ્યા છે. જેમાં લોકભાગીદારીથી ચાર તાલુકાના ૧૫૧ તળાવોનું કામ પુર્ણતાના આરે છે.
સુજલામ સુફલામ જળ અભિયાનના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે મહિલા અને બાળ કલ્યાણ રાજય મંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહેશે. સંતો- મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૦૮ દંપતિઓ ૧૧ કળશ દ્વારા નર્મદા જળ પૂજન કરશે. ગાંધીનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન- ૨૦૧૮નું પ્રદર્શન યોજાશે. જેમાં જિલ્લાના ચાર તાલુકા અને ચાર નગરપાલિકા અને ગાંધીનગર મહાનગરપાલિકા સહિત વિવિધ વિભાગોએ હાથ ધરેલ જળ સંચયના કામોની તસ્વીરો પ્રદર્શિત કરાશે.
છત્રાલ તળાવ ખાતે યોજાનાર આ પુર્ણાહુતિ કાર્યક્રમની સમીક્ષા અને પૂર્વ તૈયારીઓના આયોજન અંગે જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા અને નિવાસી અધિક કલેકટર એચ. એમ. જાડેજાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. નર્મદા જળ પૂજનની વ્યવસ્થા, મુખ્ય સ્ટેજ કાર્યક્રમ સહિત અંદાજે ઉપસ્થિત રહેનાર પાંચ હજાર ગ્રામજનો માટેની વ્યવસ્થા સાથે સંબંધિત અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી હતી.