ગુજરાતમાં ૧૪-૧૫ જૂને થશે મેઘરાજાની એન્ટ્રી : મેટ વિભાગ

1310

કાળઝાળ ગરમીથી ત્રાસી ગયેલી પ્રજા માટે રાહતના સમાચાર એ છે કે ચાલુ વર્ષે ચોમાસું તેના નિયત સમય કરતાં વહેલું આવશે. ગુજરાતમાં જો સ્થિતિ સામાન્ય રહી તો ૧૪-૧૫ જૂને મેઘરાજાની એન્ટ્રી થઈ જશે. ધગધગતા તાપ અને અંગ દઝાડતી ગરમીથી તોબા પોકારી ઉઠેલા નગરજનોને ગરમીથી રાહત મળશે.

હાલમાં ઈસ્ટ અરેબિયન સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેસર છવાયું છે. જેની અસર કેરળ, કર્ણાટક, તામિલનાડુમાં શરૂ થઈ ગઈ છે. જેની અસર તળે જ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ૧૦મી જૂનની આસપાસ સારો વરસાદ થવાના એંધાણ આપવામાં આવ્યા છે. જ્યારે ૧૪-૧૫ જુનની આસપાસ ચોમાસાની શરૂઆત થવાની સાથે મેઘરાજાની સવારી આવી પહોંચશે. જો કે આ સમયગાળામાં વરસાદની ગતિ ધીમી રહેશે, ક્યાંક છૂટોછવાયો વરસાદ પડશે તેમ હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.

રૂમઝૂમ કરતું નૈઋત્યનું ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં પાંચ દિવસ વહેલું કેરલમાં આવી પહોંચ્યું છે. સામાન્ય રીતે કેરળમાં બીજી જૂને ચોમાસુ બેસે છે. ત્યારે ચાલુ વર્ષે ૨૯મી મેના રોજ ચોમાસુ બેસી ગયું હોવાનું માનવામાંઆવે છે. હવામાન વિભાગ હાલમાં કેરળના કેન્દ્રો પર સીધી નજર રાખીને બેઠો છે. જો બે દિવસમાં ૨.૫ મીમી વરસાદ નોંધાય તો ચોમાસુ શરૂ થઈ ગયું ગણાશે.

ગુજરાતમાં કાળઝાળ અસહ્ય ગરમીથી પરેશાન લોકો હવે વરસાદને ઝંખી રહ્યાં છે ત્યારે તેમના માટે ચોમાસાની વહેલા આગમનની ખબર જરૂર ટાઢક પહોંચાડશે.

Previous articleમેઘરાજાનાં આગમનના આગોતરા એંધાણ
Next articleસુજલામ સુફલામ યોજનાનો ૩૧મીએ વઢેરા ગામે યોજાશે સમાપન સમારોહ