ભાવનગરમાં મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રી પર સ્થિર થતા પ્રખરતાપ વચ્ચે ૩૬ કિલોમીટરની ઝડપે પવન ફુંકાતા સાથો સાથ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા લોકો ભારે બફારો અનુભવી રહ્યા છે. આકરો ઉનાળો વિદાય લેવાની તૈયારીમાં છે અને ચોમાસા પુર્વે તેની ગતિવિધી તેજ બનતા લોકો વિષમ પરિસ્થિતિનો સામનો કરીર હ્યા છે. વહેલી સવારે આકાશ વાદળ અચ્છાદીત રહે છે તો દિવસભર ધાબડીયું વાતાવરણ વચ્ચે સૂર્યનારાયણનો તાપ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રી પર સ્થિર થયો છે. આ સાથો સાથ ગરમ પવનની ગતિએ પણ વેગ પકડ્યો છે. આજે ઢળતી બપોરે ૩૬ કિલોમીટરની ઝડપે પવન ફુકાયો હતો. જે મોડી સાંજે સુધી યથાવત રહ્યો હતો આ ઉપરાંત ભેજનું પ્રમાણ :ઉત્તરોત્તર વધતાની સાથે તીવ્ર બફારો પણ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ આ પ્રમાણેની ગતિવિધિ વાતાવરણમાં એકાદ સપ્તાહ સુધી જોવા મળશે ત્યાર બાદ વાદળો દોરાતા તાપમાનમાં ઘટાડો થશે. જેથી બળબળતા તાપમાંથી લોકોને રાહત થશે પરંતુ ધૂળની ડમરી અને બાફનું પ્રમાણ હજુ પણ વધશે તેમ જણાવ્યું હતું.