આજે રાજ્યભરમાં ગુજરાત સરકારની મહત્ત્વની એવી સુજલામ સુફલામ જળ અભિયાનનું સમાપન થયું હતું. જેને પગલે રાજ્યમાં ૩૬ જગ્યાએ સમાપન સમારોહ યોજાયો હતો. આ સમાપન સમારોહમાં ગુજરાત સરકારના અલગ અલગ મંત્રીઓએ હાજરી આપીને યોજનાની પૂર્ણાહુતિ કરાવી હતી. સીએમ વિજય રૂપાણી અને મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા ધંધુકાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. એક મહિના સુધી રાજ્યમાં આ યોજના ચાલી હતી.ધંધુકાનાં પિરાસરમાં જળ અભિયાનના સમાપનનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં સાંસદ સાંસદ દેવજી ફતેપરા સહિત કેટલાક સાધુ સંતો પણ રહ્યા હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિજય રૂપાણીએ કહ્યું હતું કે, તળાવો ઉંડા કરવાનો સરકારનો નિર્ધાર છે. તેમજ નદીઓને પુનઃ જીવિત કરી વહેતી કરવા નિર્ધાર છે. ગુજરાતે પાણી માટે લીડ લીધી જેમાં ૫૫૦૦ કિમી કેનાલ સાફ કરાઈ છે. ગુજરાતના તમામ તળાવો છલોછલ ભરાય, ગુજરાત પાણીદાર બનશે, અને પાણી જ વિકાસની પ્રાથમિકતા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે સીએમ રૂપાણીએ કહ્યું કે, કેન્દ્રની સરકાર અને બધા રાજ્ય સરકારો સાથે આ બાબતનું વિચાર મંથન ચાલી રહ્યું છે.
સાથે મળીને જે પણ કંઈ થશે, તે રીતે ગુજરાત પણ સાથ આપશે. અને લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવું કરાશે.
બનાસકાંઠાના સાવણિયા ગામે જળસંચય અભિયાનની પૂર્ણાહુતિ કાર્યક્રમને કાળઝાળ ગરમી નડી ગઈ હતી. આ કાર્યક્રમની પૂર્ણાહુતિ પહેલા જ લોકોએ ચાલતી પકડી. સ્થાનિકોએ ગરમીથી કંટાળીને ચાલુ કાર્યક્રમમાંથી ચાલતી પકડી હતી. મંત્રી દિલીપ ઠાકોર પૂર્ણાહુતિમાં હાજર રહ્યા હતા. મંત્રી ઉદબોધન કરે તે પહેલા જ લોકો થયા રવાના. આમ, કાર્યક્રમમાં ઠેકઠેકાણે ખાલી ખુરશીઓ જોવા મળી હતી. તો બીજી તરફ, સાબરકાંઠામાં પ્રાંતિજના ભાખરીયા તળાવ ખાતે જળસંચય અભિયાનની પૂર્ણાહુતિ યોજાઈ હતી.જેમાં પણ સ્થાનિકોએ ગરમીથી કંટાળીને ચાલતી પકડી હતી, અને કાર્યક્રમમાં ખુરશીઓ જ દેખાતી હતી. કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.