લાઠી તાલુકાના દેરડી ગામ નજીકથી આર.આર. સેલની ટીમે પૂર્વ બાતમી આધારે વોચમાં રહી રેશનીંગનો જથ્થો ભરી પસાર થઈ રહેલ આઈશર ટેમ્પા સાથે એક શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ભાવનગર રેંજ આઈ.જી.પી. અમિતકુમાર વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવુતિ નેસ્તનાબૂદ કરવા તેમજ સતત પેટ્રોલિંગ કરવા સૂચના મુજબ ભાવનગર આર.આર.સેલના એસ.આઈ. વી.ડી ગોહિલ તથા હેડ કોન્સ. કિરણભાઈ સોલંકી વિગેરે સ્ટાફના લાઠી ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ. કિરણભાઈ સોલંકીને મળેલ બાતમી આધારે સત્યેન્દ્રસિંહ ઉર્ફે લાલો ઉદયસિંહ ડાભી રે.લાઠી સત્યા ટ્રાન્સપોર્ટવાળો પોતાના કબ્જાવાળા આઇસર નંબર જી.જે-૧૦-એક્સ-૬૨૫૮માં ગેરકાયદેસર રેશનિંગનો જથ્થો ઘઉં તથા ચોખા ભરી ઢસા તરફ જાય છે એવી હકીકત આધારે ઇસમનું વાહન દેરડી ગામ પાસે રોકી ચેક કરતા વાહનમાં ઘઉંના કટા નંગ-૭૦ આશરે ૩,૫૦૦ કિલો કી.રૂ. ૪૨,૦૦૦/- તથા ચોખાના કટા નંગ-૬૫ આશરે ૩,૨૫૦/- કિલો કી.રૂ.૪૫,૫૦૦/- તથા આઇસરમાં રાખેલ ખાલી કાથીના કોથળા નંગ. ૧૩૧ જેની કી.રૂપિયા ૧૩૧/- તથા ટાટા આઇસર જી.જે-૧૦-એક્સ-૬૨૫૮ની કી.રૂ.૧,૫૦,૦૦૦/- ગણી કુલ રૂ.૨,૩૭,૬૩૧/-નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી તેમજ સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરી લાઠી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.