ભાવનગર શહેર જિલ્લાની સૌથી મોટી એકમાત્ર સરકારી હોસ્પિટલ સર ટી હોસ્પિટલ ખુદ માંદગીમાં સપડાઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ હોસ્પિટલની સમયસર સારવાર કરવામાં નહી આવેતો શહેર જિલ્લાની ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ભારે યાતનાઓ વેઠવી પડશે.
શહેરની સર.ટીહોસ્પિટલમાં રજવાડા કાળબાદ વર્તમાન સરકારમાં સુચારૂ વહીવટ, સારી અને નિઃસ્વાર્થ આરોગ્ય સારવપાર પૂરતી સારવાર સહિતની તમામ બાબતો ભૂતકાળમાં ગુમનામ થઈ ચુકી છે. વર્ષ દહાડે રાજ્ય સરકાર કરોડો રૂપીયાની લ્હાણી કરે પરંતુ આ ખર્ચ લેખે લાગતો નથી અને ભ્રષ્ટાચારના કાદવમાં ખદબદતા અધિકારીઓ હોસ્પિટલ સત્તાવાળાઓ સરકારી નાણા ગજવામાં મુકી જલસા કરે છે તો બીજી તરફ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાોરના દર્દીઓ યોગ્ય સારવાર માટે હરહાલ હંમેશ ટળવળતા જોવા મળે છે અત્રે ફરજ બજાવતા કર્મચારીઓમાં માનવતા, ઈમાનદારી, જેવા નૈતીકતાના ગુણોનો કાયમ માટે અભાવ જોવા મળી રહ્યો છે.
આ સર. ટી હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની જગ્યા વર્ષોથી ખાલી પડેલી છે આથી ગંભીર અકસ્માત અગર બિમારી સબબ અમદાવાદ સિવીલ હોસ્પિટલ સિવાય આવા દર્દીઓનો કોઈ ઉધ્ધાર નહી એ જ રીતે કરોડો રૂપિયાના ખર્ચે કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યુ. એક થી એક અદ્યતન સાધનો વસાવવામાં આવ્યા માત્ર એટલું જ નહીં ગંભીર કિસ્સાઓમાં એક ખાસ પ્રકારનું વાહન કે જેમાં કેન્સરના રોગને લગતી તમામ સેવાઓ ઉપલબ્ધ છે. આવી વાન પણ સ્ટાફના અભાવે લાંબા સમયથી ધૂળ ખાઈ રહી છે. કેન્સર હોસ્પિટલમાં ઠેર-ઠેર ઝાડ ઉગી નિકળ્યા છે. રાત્રે અસામાજિક તત્વોનો માનીતો અડ્ડો બની જાય અને મહેફીલો જામે છે તથા પાસે જ આવેલ બેબી વોર્ડ પાસે બારેમાસ ગંદા પાણીની ગટર ઉભરાતી રહે છે. આ ગટરનું ગંદુ પાણી પાણીના બોરમાં પણ ભળી ચુક્યું છે. આ બોરમાંથી ર૪ કલાક પાણી લેવામાં આવે છે. મોટાભાગની તમામ સારવાર-સેવાઓ તદ્દન મફત હોવા છતાં ગરીબ દર્દીઓ તથા તેમના સ્વજનો પાસેથી વોર્ડ બોય, એમ્બ્યુલન્સ, શબવાહીની ચાલકો સહિતનો સ્ટાફ યેનકેન પ્રકારે નાણા ઉઘરાવે છે. આવી તમામ બાબતોથી તંત્ર સારી પેઠે વાકેફ હોવા છતાં મુદ્દાને નજર અંદાજ કરી રહ્યું છે. જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો હોસ્પિટલ પોતાની વિશ્વાસનિયતા ગુમાવશે અને લાચાર-વિવશ દર્દીઓની હેરાનગતિમાં હજુ વધારે વૃધ્ધિ થશે.
પરિવાર હયાત પણ વૃધ્ધાનું કોઈ નહીં…!
સર ટી. હોસ્પિટલમાં એક માનસિક રીતે બિમાર વૃધ્ધા લાંબા સમયથી રઝળી રહી છે. આ વૃધ્ધા પોતાનું નામ કૈલાસબેન જણાવે છે અને તેનું ઘર ભરતનગર વિસ્તારમાં હોવા સાથોસાથ પિયર ત્રાપજ ગામે હોવાનું રટણ કરે છે. આ અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, સામાજીક કારણોસર તેની માનસિક હાલત ખરાબ બની પરિવારમાં પુત્રો-પતિ સહિતના વ્યક્તિઓ છે. બિમારીના પ્રથમ તબક્કામાં થોડી સારવાર કરાવી બાદ કોઈ સારસંભાળ ન લેતા તેની સ્થિતિ ઉત્તરોત્તર બગડી હવે તો સ્થિતિ એ હદે પહોંચી છે કે વસ્ત્રો પહેરવા કે કુદરતી ક્રિયાઓનું પણ ભાન રહેતું નથી. હોસ્પિટલના કેટલાક સેવાભાવી કર્મચારીઓ તથા દર્દીના સ્નેહીઓ આ વૃધ્ધાને જમવા-પાણી, કપડાની વ્યવસ્થા કરી આપે છે. વૃધ્ધાના પુત્રના જણાવ્યા અનુસાર ઘરે લઈ ગયા બાદ આ વૃધ્ધા ફરી હોસ્પિટલમાં પહોંચી જાય છે. આમ પુત્ર-પતિ, પુત્રી સહિતનો પરિવાર ધરાવતી વૃધ્ધા તેના પરિવારની બેદરકારીના કારણે પશુથી પણ બદ્દતર જીવન જીવવા મજબુર બની છે.
સારવાર અર્થે આવેલ પરપ્રાંતિયને પત્નીએ તરછોડ્યા
થોડા સમય પૂર્વે અસ્થિર મગજના એક આધેડને લઈને રાજસ્થાનના ઝાલોર પંથકમાંથી એક મારવાડી મહિલા સર ટી. હોસ્પિટલમાં સારવાર આવી હતી. થોડા સમય સુધી પત્ની પતિ સાથે રહી યોગ્ય સારવાર સેવા કરાવી હતી પરંતુ ત્યારબાદ આ મહિલા આધેડને નોંધારા છોડી ક્યાક જતી રહી ત્યારબાદ પરત ફરી ન હતી તો બીજી તરફ હોસ્પિટલ સત્તાવાળાઓએ પણ આ દર્દીને રજા આપતા આ આધેડ હોસ્પિટલમાં આહારની શોધમાં અહીતહી ભટક્યા કરે છે. વર્ષો પૂર્વે રાજાશાહીના જમાનામાં અત્રે આવતા પ્રત્યેક દર્દીઓની પૂર્ણ નિષ્ઠા સાથે સેવા ચાકરી-સારવાર કરવામાં આવતી હતી. માનસિક બિમારીનો ભોગ બનેલા દર્દીઓ માટે આલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ તેમની સારવાર માટે નેક નામદાર મહારાજાએ વિદેશથી તબીબને અપોઈન્ટ કર્યા હતા પરંતુ આજે આવા દર્દીઓ માટે તંત્રના અધિકારીઓ સુગ અનુભવે છે.