૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટના મોસ્ટ વોન્ટેડ આંતકવાદી એહમદ લંબુની ગુજરાત એટીએસએ વલસાડના મધદરિયેથી મોડીરાત્રે ધરપકડ કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. એહમદ લંબુને પકડવા માટે સીબીઆઈએ લુક આઉટ અને ઈન્ટરપોલ નોટિસ જાહેર કરવામાં આવી હતી. ધરપકડ બાદ હવે ગુજરાત એટીએસ અહમદ લંબુને મુંબઇ સીબીઆઇને સોંપશે. આ આતંકવાદી પર પાંચ લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું. ૧૯૯૩માં થયેલ મુંબઇ બ્લાસ્ટમાં એહમદ મોહમ્મદ લંબુએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને લંબુએ પાકિસ્તાનથી આતંકવાદની ખતરનાક તાલીમ પણ લીધી હતી. વાપી-વલસાડના દરિયામાંથી એહમદ લંબુની ધરપકડ કરવામાં આવી હતી. એહમદ મોહમંદ લંબુને દાઉદ ઈબ્રાહીમની નજીકનો વ્યક્તિ માનવામાં આવતો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાત એટીએસ છેલ્લા ત્રણ દિવસથી વાપીના એક ખાનગી ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી અને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું. ગુરુવારે રાતે પણ આ ઓપરેશન અંતર્ગત તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન જ એટીએસને ૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટના આરોપી અહમદ લંબુની વલસાડના મધદરીયામાંથી ધરપકડ કરવામાં આવી હતી. એહમદ લંબુ અર્જુન ગેંગનો સભ્ય હતો. તેમાં મસાફિર ખાના, ફિરોઝ અબ્દુલ અને રાશિદ ખાન સહિતના આરોપીઓ સમાવિષ્ઠ છે.
ઉલ્લેખનીય છે કે, એહમદ લંબુ પર ૧૯૯૩માં મુંબઇ બ્લાસ્ટનું કાવતરુ ઘડવાનો અને હથિયાર સપ્લાય કરવાનો બહુ ગંભીર આરોપ છે. તે સાથે જ બ્લાસ્ટ પછી અહમદ લંબુને ભગાડવામાં મુસ્તફા ડોસાએ તેની મદદ કરી હતી. ત્યારથી અહમદ લંબુને શોઘવામાં આવી રહ્યો હતો અને તે સતત નાસતો ફરતો હતો. ગયા વર્ષે સ્પેશિયલ ટાડા કોર્ટે મુંબઈ સીરિયલ બ્લાસ્ટમાં અબુ સલેમ અને અન્ય પાંચ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા.
આ દોષિતોમાં અબુ સલેમ સિવાય મુસ્તફા ડોસા, ફિરોઝ અબ્દુલ, રાશિદ ખાન, તહર મર્ચન્ટ, રિયાઝ સિદ્દીકી, કરીમુલ્લા ખાન પણ સામેલ હતા. આ દરેકને દેશ વિરુદ્ધ યુદ્ધ કરવાના દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે અબુ સલેમને કાવતરું ઘડવા અને આતંકી ગતિવિધિ કરવાનો દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. આ કેસમાં અબ્દુલ કય્યૂમને કોર્ટે નિર્દોષ જાહેર કરી દીધો હતો. એહમદ લંબુ વિરૂદ્ધ કોર્ટ કાર્યવાહી હાથ ધરાશે.