ચામડી બાળી નાખતી અને શરીરના આરોગ્ય પર ગંભીર અસરો પાડતી ઉનાળાની ઋતુ તેનો જોરદાર પરચો બતાવી રહી છે ત્યારે હવામાન ખાતા દ્વારા આજે પ્રજાજનોને કંઇક રાહતભર્યા હવામાનની આગાહી કરી છે. હવામાન ખાતાની આગાહી મુજબ, તા.૧લી જૂનથી તા.પ જૂન દરમ્યાન નૈઋત્યના પવન ફૂંકાતા રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં હળવો વરસાદ તેમજ અમુક ભાગમાં વીજળી સાથે વરસાદ વરસી શકે છે. જો કે હવામાન ખાતાએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ ૪૦ થી ૪૩ ડિગ્રી વચ્ચે ગરમીનો પારો રહેવાની પણ આગાહી કરી છે.
હવામાન ખાતાની આગાહીની બીજીબાજુ, ચોમાસાને લઇ હવામાન નિષ્ણાતોના મતે, ચોમાસાની સીસ્ટમ ધીરે ધીરે સક્રિ બની રહી હોઇ આ મહિનામાં છૂટાછવાયા વરસાદ કે હળવા ઝાપટાની શકયતા છે.
પરંતુ વિધિવત્ ચોમાસુ તો જૂનના અંત પહેલાં અને જૂલાઇના પ્રથમ સપ્તાહથી જામશે. ઉનાળાની બળબળતી ગરમીને લઇ હીટવેવનો ખાસ્સો લાંબો કહી શકાય તેવો સમયગાળો પસાર થઈ ચુક્યો છે. આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કેટલાક વિસ્તારોમાં દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળ્યું હતુ અને પવનની ગતિ પણ નોંધાઇ હતી, જેને લઇ અસહ્ય ગરમી અને બાફના ઉકળાટની સ્થિતિ પણ જોવા મળી હતી. અમદાવાદ સહિત રાજયભરના પ્રજાજનો ગરમીથી ત્રસ્ત બન્યા છે ત્યારે હવામાન ખાતાએ આજે નાગરિકોને કંઇક અંશે રાહત આપતાં સમાચારની આગાહી કરી હતી. હવામાન ખાતાએ આજથી પાંચ દિવસ દરમ્યાન એટલે કે, તા.૧ જૂનથી ૫ જૂન સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર, દીવ, દમણ, દાદરા નગર હવેલી વિસ્તારમાં ઝરમર વરસાદ કે વીજળી સાથે છૂટાછવાયો વરસાદ વરસવાની આગાહી કરી છે. જ્યારે કચ્છમાં વાતાવરણ સૂકુ રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણ સૂકુ રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી મહત્તમ તાપમાન ૪૦ થી ૪૩ ડિગ્રી વચ્ચે રહે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં એકટીવ થઇ રહેલ લો પ્રેશરની પ્રક્રિયાના કારણે હવે ગુજરાતમાં પણ હવે થોડા દિવસોમાં જ ચોમાસાની દેખા દે તેવી પૂરી શકયતા પ્રવર્તી રહી છે, જેથી ગરમીથી ત્રસ્ત પ્રજાજનોને રાહત મળશે.
રાજયમાં વરસાદની આગાહી વચ્ચે તાપમાનમાં થયો ઘટાડો
ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવા વરસાદી ઝાપટાની આગાહી વચ્ચે હવે તાપમાનમાં ઘટાડો થઇ રહ્યો છે. સવારના સમયમાં વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. સવારમાં વરસાદી માહોલ દેખાય છે જેના લીધે ઠંડકનો અનુભવ લોકો કરી રહ્યા છે. જો કે, બપોરના ગાળામાં હજુ પણ લોકોને રાહત મળી નથી. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૨ ડિગ્રી રહ્યું હતું. સૌથી વધુ તાપમાન આજે પણ સુરેન્દ્રનગરમાં જ ૪૩.૩ ડિગ્રી રહ્યું હતું. આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગો અને ઉત્તરગુજરાતમાં પારો ૪૦થી ૪૪ ડિગ્રી વચ્ચે રહી શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૨ ડિગ્રી રહ્યું હતું. તમામ જગ્યાએ ગરમીનું પ્રમાણમાં યથાવત રહ્યું છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૩.૩ ડિગ્રી તાપમાન રહ્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગના કેસોમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થયો હોવા છતાં લોકો બિનજરૂરીરીતે ઘરની બહાર નિકળ્યા ન હતા પરંતુ ઘરમાં પણ લોકોને તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. જ્યારે બીજી બાજુ રસ્તાઓ ગરમીના કારણે સુમસામ રહ્યા હતા. લોકોની ચામડી દાઝી જવા જેવો અનુભવ આજે બપોરના ગાળામાં થયો હતો. ઉત્તર ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ રહી શકે છે. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. વધતી ગરમી વચ્ચે મે મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ સપાટો બોલાવ્યો છે.