ભાવનગર જિલ્લા મહુવા શહેરના કૈલાસગુરૂકુળ ખાતે આગામી તા.૮ને શુક્રવારથી ત્રણ દિવસ માટે સદભાવના પર્વ-૯ યોજાશે. પૂ. મોરારિબાપુની નિશ્રામાં સતત નવમાં વર્ષે અહી સદ્ભાવના પર્વનું આયોજન થયુ છે. સમાપનના ત્રિજા દિવસે મોરારિબાપુ દ્વારા રાજ્ય અને રાષ્ટ્રકક્ષાના સદ્ભાવના એવોર્ડથી ગુજરાત કાર્યક્ષેત્ર માટે શિક્ષણવિદ અને કર્મશિલ (એએમડબલ્યુએ)ડો. મહેરૂનનિસા દેસાઈને તેમજ કાર્યક્ષેત્ર ભારત માટે ખુદાઈ ખિદમતગાર ફૈસલખાનને સન્માનિત કરવામાં આવશે. પ્રારંભના દિવસે બપોરના ૩ થી ૬ કલાકે વિશ્વગ્રામના તુલા સંજય પર્વની ભૂમિક બાંધી આપશે. જ્યારે બીજરૂપ વકતવ્ય વિશ્વ વિખ્યાત સ્થપતિ બાલકૃષ્ણ દોષી આપશે તેમજ ચલચિત્ર સમીક્ષક અને ઈતિહાસવિદ અમૃતગંગર કલાજગત વિશે વાત કરશે. બીજા દિવસે તા.૯ ને શનિવારે સવારના ૯ થી ૧૨ વચ્ચેની સંગોષ્ઠિમાં કર્મશીલ અને ગાંધી વિચારક પી.વી. રાજગોપાલ રાજ્ય વ્યવસ્થા અંગે જ્યારે અર્થ વ્યવસ્થા અંગે કૃષી અર્થશાસ્ત્રી દેવીન્દર શર્માના વકતવ્યો થશે. સાંજના ૩.૩૦ થી ૬-૩૦ની વચ્ચે સમાજ વ્યવસ્થા વિશે સામાજિક કર્મશીલ સુષમા આયગર અને પર્યાવરણ શિક્ષણ વિદ કાર્તિકેય સારાભાઈ પર્યાવરણીય વ્યવ્સથાની રજુઆત કરશે. ત્રીજા રાત્રી બેઠક રાત્રીના ૮-૩૦ થી ૧૦ કલાક વચ્ચે હું, તત્વમસિત અને રેવા વિષય તળે સાહિત્યકાર ધ્રુવ ભટ્ટનું વકતવ્ય યોજાશે. સમાપનના ત્રીજા દિવસે તા.૧૦ જુના, રવિવારે અંતિમ બેઠક સવારના ૯ થી ૧૨ની રહેશે જેમા કાર્યકરો અનુભવ અને પ્રતિભાવો આપણી વાત અંતર્ગત વિચારો રજુ કરશે બાદમાં ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા પૂ. મોરારિબાપુના હસ્તે સદ્ભાવના એવોર્ડ એનાયત થશે. અને પૂ.બાપુ સમાપન વકતવ્ય આપશે. રસ ધરાવતા સૌ કોઈ સાદર નિમંત્રિત છે.