આજે પાસના આગેવાનોનું એક પ્રતિનિધી મંડળ સ્વર્ણિમ સંકુલ ખાતે આવી નિતિનભાઈ પટેલને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર સરકારે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને શુ સગવડ આપવાની છે તે નકકી કરવું જોઈએ. આ પહેલાં પણ સરકારે ઈબીસીના પ્રમાણપત્રોમાં બિન અનામત વર્ગના આશરે ચાર લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓના કરોડો રૂપિયાનું નુકસાન કરાવ્યું છે. ત્યારે આ નવા પ્રમાણપત્રનો ફતવો બહાર પાડતાં પહેલાં બિન અનામત વર્ગને આ પ્રમાણપત્ર દ્વારા શું – શું લાભ આપવાના છે તે પહેલાં નકકી કરવું જોઈએ. સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે કયા પ્રકારના લાભો આ પ્રમાણપત્રથી મળવાના છે નહીં તો બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને અગાઉની જેમ કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવશે. તેમણે જુના ઈબીસી પ્રમાણપત્રો માન્ય રાખવામાં આવે તેવી પણ માંગ કરી હતી. આમ પાસના અતુલભાઈ પટેલની આગેવાનીમાં આવેલા પ્રતિનિધી મંડળે પાટીદાર અનામત આદોલન સમિતિ વતીથી નિતિનભાઈ પટેલને આવેદન આપી પોતાની માંગણીઓ રજુ કરી હતી.