ભાવનગરમાં ફરી તાપમાનનો પારો ૪૨ ડિગ્રી ઉપર

1127

અધિક જયેષ્ઠ માસ પુર્ણતા તરફ જઈ રહ્યો છે ત્યારે ભાવેણા ઉપર ફરીથી ભાવનગરમાં તાપમાનનો પારો ૪ર ડિગ્રી ઉપર પહોંચતા લોકોએ અંગ દઝાડતી ગરમીનો સામનો કર્યો હતો અને ગરમીથી અકળાઈ ઉઠયા હતાં.
છેલ્લા ર૦ દિવસ કરતા વધુના સમયથી ભાવનગરમાં તાપમાન ૩૮ થી ૪૦ ડિગ્રી રહ્યા બાદ અને ગઈકાલે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તેમજ અમરેલી પંથકના સાવરકુંડલા સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યા બાદ બીજા જ દિવસે આજે એકાએક તાપમાનો પારો ઉચકાઈને ૪ર ડિગ્રી ઉપર પહોંચી જવા પામ્યો હતો જેના પગલે લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો.
આજે વહેલી સવારે વાતાવરણમાં પલ્ટો આવ્યો હોય તેમ ટાઢો બોળ પવન ફુંકાયો હતો અને વરસાદી માહોલ છવાયો હતો. જેના પગલે રાત્રીના તાપમાનમાં સરેરાશ ૪ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો પરંતુ સુર્યોદય થતાની સાથે જ ફરી વાતાવરણ બદલાયું હોય તેમ ગરમી શરૂ થવા પામી હતી. અને બપોર સુધીમાં તો આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો અનુભવ લોકોએ કર્યો હતો. તાપમાન વધીને ૪ર ડિગ્રીએ પહોંચી જવા પામ્યું હતું જેના પગલે રસ્તાઓ સુમસામ બની જવા પામ્યા હતાં. અને બપોરના સમયે તો રસ્તા પરથી પણ ગરમ લૂં ફૂંકાતી હોવાનો લોકોએ અનુભવ કર્યો હતો. આમ આજે દિવ્સના તાપમાનમાં વધારો અને રાત્રીના તાપમાનમાં ઘટાડો થતા રાત્રે ઠંડી અને દિવસે ગરમી એમ બેવડી ઋતુનો લોકોએ સામનો કર્યો હતો.
કાળઝાળ ગરમીના કારણે તાવ તેમજ વાયરલ ઈન્ફેકશન અને શરદીના દર્દીઓમાં વધારો થવા પામ્યો છે. આજે દિવસ દરમ્યાન લોકોએ બફારાનો પણ સામનો કર્યો હતો. આજે મહત્તમ તાપમાન ૪ર, લઘુત્તમ તાપમાન રપ.૬ ડિગ્રી રહ્યું હતું જયારે સરેરાશ ભેજનું પ્રમાણ ર૮ ટકા તથા ૬ કી.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો.

 

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઈન્દિરાનગરમાં પેવીંગ બ્લોકનું ખાતમુર્હુત