ગાંધીનગર મુક્તિધામના દાનનો ઉપયોગ અન્યત્ર કરાતો હોવાની ચોકાવનારી માહિતી મળ્યા બાદ ગાંધીનગર કોર્પોરેશન હરકતમાં આવ્યું હતું. દસ લાખથી વધુ માતબર રકમ સ્મશાનમાં દાનમાં મળી હોવા છતાં છેલ્લા એક વર્ષથી સીએનજી સ્ટેશન બંધ હોવાની ફરિયાદ કોર્પોરેશનમાં મળી હતી.
ત્યારે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનુભાઈ પટેલે આ બાબતને ગંભીરતાથી લઈને લોકોના ઉપયોગ માટે બનાવેલું સ્મશાન અને તેની અગવડતાઓને ટોપ પ્રાયરોટી પર મુકી આગામી સ્ટેન્ડિંગમાં જ જરૂરી નિર્ણયો જેવા કે સીએનજી સ્ટેશનની સગડી તાત્કાલિક ચાલુ કરાવવી અને આજુબાજુના ગામો પણ ગાંધીનગરના આ સ્મશાનમાં આવતા હોવાથી ચાર સગડીની જગ્યાએ વધારે સગડીઓ બનાવવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત દાનમાં આટલી મોટી રકમ આવતી હોવા છતાં સ્મશાનની અન્ય અગવડોને ધ્યાને લેતા ંજયુસીકા પાસેથી તેનું સંચાલન લઈ કોર્પોરેશન પોતે સંચાલન કરશે તેવો નિર્ણય પણ લીધો હતો.
રાજકોટની સરગમ કલબ દ્વારા રૂપિયા ૭ કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલા પાટનગરના બેનમુન કહેવાય તેવા મુક્તિધામનું સંચાલન આખરે જુનિયર સિટિઝન કાઉન્સિલ પાસેથી પરત લઇ લેવામાં આવ્યું છે. શુક્રવારે સ્થાયી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. સાથે જ આ સંસ્થાને દાનમાં મળેલી રકમના હિસાબ મહાપાલિકાને આપવા માટે નોટિસ ફટકારવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઇ પટેલે જણાવ્યું કે મુક્તિધામના સંચાલનનો ખર્ચ મહાપાલિકા ઉઠાવતી હોવા છતાં અહીં દાનમાં મળતી રકમની સામે જે પાવતી આપવામાં આવે, તે સંસ્થાના નામની આપવામાં આવતી હતી.
ચેરમેનના જણાવવા પ્રમાણે મુક્તિધામમાં માળખાકિય સુવિધાના અનેકવિધ કામ હાથ ધરવાની સાથે તેના સુયોગ્ય સંચાલન માટે મહાપાલિકા દ્વારા નગરની જાણીતી સંસ્થા જુનિયર સિટિઝન કાઉન્સિલને મહિને રૂપિયા ૨ લાખ જેવી માતબર રકમ આપવામાં આવતી હતી. તેમાં અહીં કામ કરતા કર્મચારીઓના પગાર અને લાકડા સહિતના ખર્ચનો સમાવેશ કરાયો હતો. આમ છતાં મુક્તિધામ પર આવતા લોકો દ્વારા અહીં જે રકમ દાન પેટે આપવામાં આવતી હતી. તેના બદલામાં પૈસા સ્વીકારની જે પહોંચ અપાતી હતી, તે જુસિકાના નામની આપવામાં આવતી અને આ રકમ જુસિકા દ્વારા સ્મશાનની સુવિધા સંબંધમાં ખર્ચ કરવામાં આવતી ન હતી. સંસ્થાને અગાઉ અહીં બંધ પડેલી સીએનજી સંચાલિત ભઠ્ઠીનું સમારકામ કરાવી લેવા પણ કહેવામાં આવ્યુ હતું.
હવે આ મુદ્દે વધુ ચર્ચાના દોર ચલાવવાના બદલે સ્મશાનનું સંચાલન મહાપાલિકા હસ્તક જ રાખવા નિર્ણય કરી દેવામાં આવ્યો છે. તેમાં અહીં કામ કરતા કર્મચારીઓને પણ જેમના તેમ રાખવામાં આવનાર છે. પરંતુ સંચાલક સંસ્થા પાસેથી દાનમાં મળતી રકમનો હિશાબ મેળવવા માટે નોટિસ આપવા મ્યુનિસિપલ કમિશનરને કહેવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું કે સંસ્થાને વર્ષે ૬થી ૮ લાખ જવી રકમ દાનમાં મળતી હોવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.
સ્મશાનમાં બંધ પડેલી સીએનજી ભઠ્ઠી બદલાવીને નવી મુકવા નિર્ણય લેવાયા પછી તેના માટે ટેન્ડર પ્રક્રિયા પણ કરી દેવાઇ છે. આ ઉપરાંત અહીં લાકડાથી જ અગ્રિ સંસ્કાર આપવાની પરંપરા સંબંધમાં પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. તેના માટે હાલમાં ચાર પથારી-ખાટલા ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં તેની સંખ્યા વધારી દઇને ૮ કરવાનો નર્મય કરવામાં આવ્યાનું ચેરમેન જણાવ્યુ હતું
મુક્તિધામનું સંચાલન હવે મહાપાલિકા દ્વારા જ કરાશે. તેમાં અહીં સેવા આપતા નગર સેવક હર્ષાબાના પતિ અને જાણીતા સમાજસેવી જીલુભા ધાધલે જવાબદારી સ્વીકારી છે. ચેરમેને કહ્યું કે સ્થાયી સમિતિના તમામ ૧૨ સભ્યો અહીં સેવા આપવા માટે રાજી છે અને તેમાં મારો પણ સમાવેશ થાય છે. અમે સ્થાયી સમિતિના તમામ સભ્યો સ્મશાનના સંચાલન માટે દરરોજ સમય ફાળવવાના છીએ.