ભાવનગર રેન્જ આર.આર. સેલની ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ઘોઘારોડ, લીંબડીયુ વિસ્તારમાં ફ્લેટની અગાસીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડ, મોબાઈલ અને મોટરસાયકલ સહિત ૮ર,૭૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ભાવનગર રેન્જ આર.આર. સેલના ઈન્ચાર્જ પીએસઆઈ બી.એસ. મકવાણા તથા સ્ટાફના ગંભીરસિંહ ચુડાસમા, ઉમેશ સોરઠીયા, અરવિંદભાઈ પરમાર, ભહિપાલસિંહ ગોહિલ, ચેતનભાઈ બારૈયા, અજયભાઈ ઉપાધ્યાય, ગોપીદાનભાઈ ગઢવી સહિત આજે સાંજના સુમારે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ઘોઘાસર્કલ, લીંબડીયુ વિસ્તારમાં આવેલ સન રેસીડેન્સી-૩ની અગાસીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા તુરંત જ ઘટનાસ્થળે પહોંચતા ત્રણ શખ્સો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. જેમાં સન રેસીડેન્સી-૩માં રહેતા વાસુદેવ લધારામ બાલાણી ઉ.વ.૬ર, ભરતનગર શિવનગરમાં રહેતા ગૌતમ નારણભાઈ ગીધવાણી ઉ.વ.ર૭ તથા આનંદનગર વિસ્તારમાં રહેતા ભગવાનભાઈ હોતચંદ લાલવાણી ઉ.વ.પ૯ને રોકડ રૂા.રર,ર૯૦, બે મોબાઈલ ફોન તથા એક મોટરસાયકલ મળી કુલ રૂા.૮ર,૭૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.