રેલી અને સભા વખતે પે એન્ડ યુઝ ટોઇલેટનો ફ્રી ઉપયોગ : મનપાનો નિર્ણય

1350

સમગ્ર મહાપાલિકા વિસ્તારને જાહેરમાં શૌચક્રિયા મુક્ત કરવા માટે મહાપાલિકા દ્વારા અનેકવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. ત્યારે સ્થાયી સમિતિ અને મ્યુનિસિપલ કમિશનર તરફથી અગત્યનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. તેમાં પાટનગરમાં રેલી કે સભા જેવા કાર્યક્રમો યોજાય ત્યારે પે એન્ડ યુઝ ટોઇલેટનો ઉપયોગ પણ નિઃશુલ્ક કરવા દેવામાં આવશે.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરને ઓપન ડેફેકેશન ફ્રી બનાવવાની જવાબદારી મહાપાલિકાને સોંપવામાં આવી છે. તેના અંતર્ગત મહાપાલિકા વિસ્તારમાં ખુટતા જાહેર શૌચાલય અને વ્યક્તિગત શૌચાલયની પૂર્તતા કરવાની યોજના પણ હાથ પર લેવામાં આવી છે. સાથે જ આ મુદ્દે લોક જાગૃતિ કેળવવા તમામ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

આ સંજોગોમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા રેલી અને સભા જેવા કાર્યક્રમોના આયોજન થયા હોય ત્યારે શહેરમાં કાર્યરત કરવામાં આવેલા પે એન્ડ યુઝ ટોઇલેટ્‌સનો ઉપયોગ કરવાનું પણ ફ્રી કરવાની જાહેરાત કરવામાં આવી છે. નોંધવું રહેશે કે રાજ્યનું પાટનગર હોવાથી ગાંધીનગરમાં રેલી અને સભા યોજવાના કાર્યક્રમો છાશવારે યોજાતા રહે છે. આમ તો આવા કાર્યક્રમો માટે ઘ ૬ના મેદાનમાં સત્યાગ્રહ છાવણી તરીકે જગ્યા સુનિશ્ચિત કરાયેલી છે. પરંતુ આવા આયોજનો સમયે જાહેરમાં શૌચ ક્રિયાનું પ્રમાણ પરાકાષ્ટાએ પહોંચતુ હોય છે.

જાહેરમાં શૌચક્રિયાનો મુદ્દો ગાંધીનગરમાં વધુ ગંભીર છે. અહીં ચાલતા બાંધકામના સરકારી કામો માટે મોટી માત્રામાં બહારથી મજુર આવે છે અને ઝુંપડપટ્ટીની સમસ્યા વ્યાપક છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે આ સંજોગોમાં મહાપાલિકા દ્વારા જાગૃતિ ઝુંબેશ અંતર્ગત ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં મળીને ૧૦,૨૦૦ લોકોને જાહેરમાં શૌચક્રિયા નહીં કરવા બાબતે સમજ આપવામાં આવી છે.

Previous articleસેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા મીની મેરેથોન દોડનું આયોજન
Next articleફાયર સ્ટેશન પાડી મનપાની ઇમારત બાંધવા સરકારની ના