મહાપાલિકા કચેરીની અલગ અને પોતાની ઇમારત માટે બજેટમાં રૂપિયા ૨૦ કરોડના ખર્ચની જોગવાઇ વર્ષો વર્ષ કરવામાં આવ્યા પછી સરકાર દ્વારા આ ઇમારત માટે જરૂરી એવી ૧૦ હજાર ચોરસ મીટર જમીન આપવામાં આવી ન હતી. આખરે મહાપાલિકાના અધિકારીઓ અને પદ્દધિકારીઓએ મળીને એવો રસ્તો શોધી કાઢ્યો કે ચ રોડ પર સેક્ટર ૧૭માં આવેલા ફાયર સ્ટેશનને પાડી નાખીને આ સંકુલમાં જ નવુ ફાયર સ્ટેશન ઉભુ કરવામાં આવે અને ઝોનલ ઓફિસના નામે મહાપાલિકાને બહુમાળી ભવનમાંથી ફાયર સ્ટેશનની જગ્યાએ નવું બહુમાળી ભવન બાંધી દેવામાં આવે. આ સંબંધિ તમામ નિર્ણયો લાગુ પડતા સરકારી વિભાગોની જાણ બહાર લઇને મહાપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા પણ આટોપી લીધા પછી. આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે મહાપાલિકાના અધિકારી, પદ્દાધિકારી ઓનો ઉધડો લઇ નાખીને આ કામ કરતા પહેલા અને આડેધડ ખર્ચ કરતા પહેલા સંબંધિત વિભાગો સાથે સંકલન સાધવા અને મહાપાલિકા એ અત્યાર સુધીમાં કરેલા લોકોપયોગી વિકાસ કામોના ખર્ચનો હિશાબ આપવા કહી દેતા તંત્ર હરકતમાં આવી ગયું છે.
અગાઉના વર્ષોના બજેટમાં મહાપાલિકાના નવા બિલ્ડીંગ માટે બજેટમાં નાણાની જોગવાઇ કરાઇ હતી. પરંતુ સરકારે જમીન ફાળવવાની ના પાડી હતી. ગાંધીનગરમાં મહાપાલિકા વિસ્તારની જમીન પણ મહાપાલિકા હસ્તક મુકાઇ નથી. પરંતુ સ્થાપના કાળથી જમીનની માલિકી માર્ગ અને મકાન વિભાગને અપાયેલી છે. ફાયર સ્ટેશન પણ વિભાગની માલિકીની જમીન પર ઉભેલું છે. ત્યારે આ ઇમારત જર્જરિત થઇ ગયાના બહાને રૂપિયા ૨૦ કરોડના ખર્ચે નવી ઇમારત બાંધવાની યોજના તૈયાર કરી દેવાઇ હતી. પરંતુ તાજેતરમાં વિકાસ કામ સંબંધની સમિક્ષા બેઠક માટે નાયબ મુખ્યમંત્રીએ બોલાવ્યા પછી અધિકારી, પદ્દાધિકારીઓ ની આ યોજના મુદ્દે ખબર લઇ નાખી હતી. મહાપાલિકાની નવી ઈમારત અહીં બનાવવાની યોજના કરાઈ હતી.
નાયબ મુખ્યમંત્રી દ્વારા આ યોજનાને ખોટો ખર્ચ ગણીને કામ રોકી દેવા કહી દેવામાં આવ્યાની વાતે પૂછવામાં આવતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે આ મુદ્દે સરકારનો પત્ર આવ્યો છે અને પાટનગર યોજના વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા શહેરી વિકાસ વિભાગ સાથે સંકલન સાધવા કહેવામાં આવ્યું છે.
મહાપાલિકા ૨૦૧૧માં કાર્યરત થયા બાદ તેને જુની કલેક્ટર કચેરીમાં જગ્યા ફાળવી દેવાઇ હતી અને ત્યાર બાદ કલેક્ટર કચેરી માટે નવી ઇમારત તૈયાર થતાં તેને સ્થળાંતરિત કરવાની સાથે મહાપાલિકાને જેટલી જોઇએ તેટલી જગ્યા તેની માગણી પ્રમાણે હાલના બહુમાળી ભવનમાં ફાળવાઇ હતી. જ્યાં હજુ પણ ખાલી જગ્યા ઉપલબ્ધ છે. જેથી સરકાર બહુમાળી ભવન જ કલેક્ટર તંત્ર પાસેથી લઇને મહાપાલિકાને સોંપી દે તેવી શક્યતા વધુ છે.
ફાયર સ્ટેશનમાં નવી ઇમારત બાંધવા ઓન લાઇન ટેન્ડર પ્રક્રિયા કરીને નવી બિલ્ડીંગ માટે ટેન્ડર પ્રક્રિયા પણ ટોપી દેવાય હતી. કોન્ટ્રાક્ટર દ્વારા ફાયર સ્ટેશન સંકુલમાં નવો બોર કરવામાં આવનાર હતો. તેના માટે મશીનરી પણ લાવી દેવાઇ અને સારકામ શરૂ કરવામાં આવનાર હતું. પરંતુ કામ શરૂ થયા પહેલાં જ સરકારે સમગ્ર યોજના રોકી દેતા હવે આ યોજના અટવાઇ પડી છે.