મહુવા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતા ચૂંટણી યોજાઈ હતી. જેમાં વર્ષોથી શાસન કરનાર ભાજપ પાસેથી તેના જ આઠ સભ્યોને ફોડી પોતાના તરફી મતદાન કરાવી કોંગ્રેસે સત્તા છીનવી લીધી હતી.
મહુવા નગરપાલિકામાં કુલ ૩૬ સભ્યો છે. જેમાં ભાજપના ર૩ અને કોંગ્રેસના ૧૩ સભ્યો હતા અને બહુમતી સાથે પ્રથમ ટર્મમાં ભાજપ સત્તા ઉપર હતું. આજે બીજી ટર્મ માટેના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપના ૮ સભ્યોને ફોડી લેતા કોંગ્રેસના ૧૩ અને ભાજપના ૮ મળી ર૧ સભ્યોએ કોંગ્રેસ તરફી મતદાન કરતા પ્રમુખ તરીકે કોંગ્રેસના મંગુબેન ધીરૂભાઈ બારૈયા વિજેતા બન્યા હતા. જ્યારે ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ સેતા વિજયી બન્યા હતા અને ભાજપ શાસનનો અંત આવ્યો હતો.
ભાજપ પાસેથી સત્તા છીનવી લેવામાં કોંગ્રેસના આગેવાનોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. બહુમતી હોવા છતાં ભાજપ પાસેથી સત્તા છીનવાઈ જતા રાજકિય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.