વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાંથી ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન ૨ મીટર વ્યાસ ધરાવતું ગોળાકાર સંરચના વાળું પૌરાણિક દિશાસૂચક સ્ટ્રક્ચર મળી આવ્યું છે.
અસામાન્ય ઇંટોથી બનેલું આ સ્ટ્રક્ચર દેશમાં પ્રથમવાર અહીંથી મળી આવ્યું હોઇ પુરાતત્વ વિભાગ પણ આ સ્ટ્રક્ચર કઇ સદીનું છે તેના ઉપયોગ સહિતને લઇ સંશોધનમાં લાગ્યો છે. ૨૦૦૦ વર્ષ જૂની નગરી શોધવા વડનગરમાં ચાલતા ઉત્ખન્નમાં અત્યાર સુધીમાં પ્રાચીન સ્થાપત્યો, જૂના અવશેષો, બૌદ્ધસ્તૂપ, માટીનાં જૂનાં વાસણો વગેરે મળી આવ્યા છે.
તાજેતરમાં અમરથોળ નજીક ખોદકામ દરમિયાન ૨ મીટર વ્યાસ ધરાવતું પૌરાણિક દિશાસૂચક સ્થાપત્ય મળી આવ્યું છે. પુરાતત્વ વિભાગના જણાવ્યા મુજબ, આ પ્રકારનું સ્થાપત્ય હજુ સુધી દેશમાં ક્યાંય મળ્યૂં નથી. પ્રોટોનાગરી લીપીમાં આ સ્ટ્રક્ચર ઉપર દિશાઓ લખી હોવાનું જણાય છે.
વાસ્તુશાસ્ત્રને લગતું આ સ્થાપત્ય પૌરાણિક ગ્રંથો પર આધારિત હોઇ શકે. ૧૧મી સદીમાં આ સ્થાપત્યની રચના થઇ હોવાનું અનુમાન છે. આનો ઉપયોગ અન્ય સ્થળે જવા માટે થતો હોઇ શકે. કારણ વડનગર એ અન્ય રાજ્યો કે પ્રદેશોમાં જવા માટેનો મુખ્ય રસ્તો હતો. હાલમાં આ યંત્ર અંગે સંશોધન શરૂ કરાયું છે.