બરવાળા ખાતે સતવારા સમાજની વાડીમાં જનાદેશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં અલ્પેશ ઠાકોર, શંકરસિંહ ઠાકોર, પ્રવિણજી ઠાકોર અર્જુનજી ઠાકોર, સાગરભાઈ ઠાકોર, ભાવસંગભાઈ તલસાણીયા, જગદીશભાઈ ચાવડા, મુકેશભાઈ રાઠોડ, રાજુભાઈ જાદવ, તેમજ ભાજપ-કોગ્રેસના હોદેદારો સહિત બરવાળા તાલુકાના દરેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
આ જનાદેશ મહાસંમેલન બરવાળા બસ સ્ટેન્ડથી સભા સ્થળ સતવારા સમાજની વાડી સુધી બાઈક રેલી કાઢી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બરવાળા શહેરના કારડિયા રાજપુત સમાજ,દલીત,તળપદા કોળી સમાજ, સતવારા સમાજ,મુસ્લીમ સમાજ તેમજ બીજા અન્ય સમાજો ધ્વારા અલ્પેશ ઠાકોરને મોમેન્ટો આપી સન્માનવામાં આવ્યા હતા. ઉપસ્થિત આગેવાનો ધ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા જેમાં એસ.સી.,એસ.ટી.,ઓ.બી.સી.સમાજમાં આવતી જ્ઞાતિઓના અધિકારો આપવા અવિકસીત સમાજોના વિકાસ , સમાજોને ન્યાય મળે તેમજ દારૂબંધી અંગે પ્રવચનો આપવામાં આવ્યા હતા.સરકાર ધ્વારા ગરીબો તેમજ ખેડુતોને પાકોના પોષણક્ષમ ભાવો નહી આપી શોષણ કરતા સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યો હતો.વધુમા અલ્પેશ ઠાકોરે જણાવ્યુ હતુ કે સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે પણ ખરેખર કોઈએ વિકાસને જોયો નથી એમ કહી સરકારના વિકાસ ઉપર આકરા પ્રહાર કર્યા હતાં.