આઝાદી પૂર્વે ૧૯૩૯માં ભાવનગરના આંગણે શિશુવિહાર સેવા સંસ્થાના સ્થાપક સભ્ય સ્વ.હીરાબેન ભટ્ટની ૧૦૦મી જન્મજયંતિ વર્ષ પ્રસંગે શિશુવિહારના આંગણે અનેકવિધ સેવાકીય અને વિદ્યાર્થીઓ માટે સર્જનાત્મક કાર્યક્રમો યોજાશે.
વર્ષ ૧૯૧૮માં તળાજાના ગરીબ બ્રાહ્મણ પરિવારમાં ૬ બહેનોના કુટુંબમાં હીરાબહેનનો જન્મ થયો. માતા મણીબા સાથે રોજ શિવમંદિરે ચપટી ચોખા ચડાવવા જવાના સંસ્કારથી પ્રારંભાયેલ હીરાબા અસહ્ય ગરીબીશાત્ ભણીતો શક્યા નહીં પણ કપાસના કાલા ફોલવા અને ઘરે-ઘરે જઈ અનાજ દળી માતાને સંસાર ચલાવવામાં મદદરૂપ થતા.સમયાંતરે ૧૯૩રમાં સ્વાતંત્ર્ય સેનાની અને શિશુવિહારના સ્થાપક માનશંકર ભટ્ટ (માનભાઈ) સાથે લગ્ન થયું ને બ્રાહ્મણ દેહે અસ્પૃશ્યતા નિવારણ અને અંગ્રેજોના દેશ નિકાલ માટેની ઉગ્ર પ્રવૃત્તિઓમાં સહભાગી થયા. શિશુવિહાર સંસ્થાની સ્થાપનાથી જ ભાવનગર પોર્ટના શ્રમિકોના સંગઠન આનંદ-મંગળ મંડળના પરિવારજનોને માતૃવાત્સલ્ય આપનાર તેમ સ્વાતંત્ર્ય સેનાનીઓને પોતાના ઘરમાં આશ્રય આપી સેવા કરનાર હીરાબહેનના અનન્ય પ્રદાનને લક્ષમાં રાખી શિશુવિહાર સંસ્થા તેમનું શતાબ્દી વર્ષ ઉજવશે.
માનભાઈ ભટ્ટ પરિવારના રૂપિયા ૮ લાખના સંસ્થાગત અનુદાનથી શિશુવિહારના ઉપક્રમે સ્વ.હીરાબહેનની સ્મૃતિમાં ભાવનગરની ૬ મહિલા વિદ્યાલયો અને ર મહિલા કોલેજોની ધોરણ ૧૦, ૧ર તથા સ્નાતક, અનુસ્નાતક ૩૧ર વિદ્યાર્થીનીઓને રૂપિયા ૧,પ૯,૯૮પની સ્કોલરશીપ આપવામા આવશે. હીરાબહેનના શતાબ્દી વર્ષ પ્રસંગે શહેરની ૧૦૦થી વધુ શાળાઓના ૩૦૦૦ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શિષ્ટ વાંચન પરીક્ષા યોજવામાં આવશે. ભાવનગરના સેવાધામ સમા શિશુવિહારના સ્થાપક સભ્ય હીરાબહેનના શતાબ્દી કાર્યક્રમોનો પ્રારંભ આગામી તારીખ ૯એ સાંજના ૬-૩૦ કલાકે સર્વાંગી તાલીમ પ્રોત્સાહન કાર્યક્રમથી પ્રારંભાશે.