પેથાપુર દુકાનોની મુલાકાત લઇ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા અપીલ મંત્રી સૌરભભાઇ પટેલ

1889

ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશની ભાવિ પેઢીને સારું પર્યાવરણ પ્રાપ્ત થાય અને પાણીની સમસ્યા અને સ્વચ્છતા અભિયાનના રાજય સરકારના પ્રયાસોની સાથે લોક ભાગીદારી દ્વારા જ સફળતા પ્રાપ્ત થશે. વિશ્વ પર્યાવરણ દિનનિ ઉજવણીના ઉપલક્ષમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટીક પ્રદૂષણ વર્કશોપનું ઉદૂધાટન કર્યા બાદ મંત્રી  સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકાર પ્રથમ તબક્કે સમગ્ર રાજયમાં ૨૫ હજાર મશીનો મુકીને પ્લાસ્ટિકની બોટલો રીયુઝ કરવાનું આયોજન કર્યું છે.

ગ્લોબલ વોર્મિગની સમગ્ર વિશ્વ ચિંતિત છે. ત્યારે ગરમીમાં ઉતરોત્તર વધારો થયો છે. નદીઓના જળસ્ત્રોતમાં નોંધપાત્ર ધટાડો થયો છે. રાજયના વિકાસની સાથોસાથ પર્યાવરણનું સંતુલન જળવાય તે માટે છ કરોડની પ્રજા એક વૃક્ષ ઉછેરવાની જવાબદારી સ્વીકારે તો પ્રતિ વર્ષે છ કરોડ વૃક્ષોનો વધારો થશે. આગામી વર્ષોમાં તબક્કાવાર પેટ્રોલ- ડીઝલના વાહનોના બદલે ઇલેકટ્રીક વાહનોનો ઉપયોગ સમગ્ર દેશમાં કરવા વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીની નેમ છે. સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણીમાં લોકો સ્વયં જોતરાશે તો જ રાજય સરકારના આ અભિયાનના શ્રેષ્ઠ ફળદાયી પરિણામો પ્રાપ્ત થશે.

મંત્રી સૌરભભાઇ પટેલ પેથાપુર ચોકડીથી બજારમાં પગપાળા પ્રવાસ કરીને કરિયાણા, કાપડ તથા અન્ય દુકાનોની મુલાકાત લઇ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા દુકાનદારોને અપીલ કરી હતી. આ પ્રસંગે પેથાપુર નગર પાલિકાના પ્રમુખ રણજીતસિંહ વાધેલા, જિલ્લા ભાજપ પ્રમુખ નૈલશભાઇ શાહ, ચીફ ઓફિસર નવનીતભાઇ પટેલે પ્રાસાંગિક પ્રવચનોમાં પ્લાસ્ટીકને તિલાંજલી આપી સ્વચ્છતા જાળવવા અને વધુ વૃક્ષો વાવીને પર્યાવરણના જતન માટે સહિયારા પ્રયાસો કરવા અપીલ કરી હતી.

Previous articleમહાનગર પાલિકા દ્વારા રપ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત
Next articleઆયુર્વેદિક તબીબનો પર્યાવરણ પ્રેમ : ર૦૦ રોપાનું વિતરણ કર્યુ