એનસીએઆરટી દિલ્હી દ્વારા પ્રેરિત અને આરએમએસએ અંતર્ગત રાજ્યકક્ષાએ યોજાયેલ કલા ઉત્સવ-ર૦૧૭ અંતર્ગત હિંમતનગર મુકામે સંગીત કલા વિભાગમાં ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની ટીમે શ્રેષ્ઠ દેખાવ કરી પ્રથમ સ્થાન હાંસલ કર્યુ છે અન હવે આ ટીમ આગામી દિવસોમાં તા.૩ થી ૬ જાન્યુઆરી, ર૦૧૮ દરમ્યાન યોજાનાર રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ભોપાલ, મધ્યપ્રદેશ ખાતે યોજાશે. શાળાના સંગીત શિક્ષક ઋષિકેશભાઈ પંડયા અને રમેશભાઈ સાટીયાના માર્ગદર્શન હેઠળ કુલ ૦૮ પ્રજ્ઞાચક્ષુ બાળકોની ટીમે ભાગ લીધો હતો. રાજ્યકક્ષાની સ્પર્ધામાં શાળાની ટીમ દ્વારા આસિત દેસાઈ દ્વારા સ્વરાંકિત અને જયંત પલાણની રચના દાન દે પ્રભુ વરદાન દે… કૃતિની રજૂઆત કરી ઉપસ્થિત કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. સાથોસાથ તેઓએ ઈ-પ્રોજેક્ટ અંતર્ગત કૃતિ અને શાળા વિશે કવિ વિનોદભાઈ જોશી અને સ્વરકાર આસિત દેસાઈના ઈન્ટરવ્યુ દર્શાવતી શોર્ટ ફિલ્મ રજૂ કરી હતી.
શાળાના સંચાલક લાભુભાઈ સોનાણીએ શાળાની ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે શાળાની આ સિધ્ધિ ખરેખર રાજ્યની અન્ય શાળાઓને પ્રેરણા આપે તેવી છે કેમ કે કલા ઉત્સવના ઝોનલ રાઉન્ડમાં પહોંચવા કરેલો સંઘર્ષ અને ઉત્તમ માર્ગદર્શન હેઠળ કરેલ તૈયારી ખુબ જ કપરી હત. સંગીત જેવા અતિ મહત્વના અને કઠીન વિષયોમાં પારંગત બની શાળાની ટીમે આ સિધ્ધિ પ્રાપ્ત કરેલ છે. તાજેતરમાં બ્રિટનના હાઈ કમાન્ડના કમિશ્નર જ્યાર્જ વેઈન શાળાની પ્રાસંગિક મુલાકાત વખતે પણ આ ટીમની તૈયારીઓ અને સ્વર અને તાલબદ્ધ રચના સાંભળી ઓતપ્રોત બની મંત્રમુગ્ધ બન્યા હતા.