આજે તા. ૦૬ જુનના રોજ કેન્દ્રિય ફર્ટીલાઈઝર મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં ઈફકોના સૌજન્યથી પાલીતાણા તાલુકાની ઉત્તર બુનિયાદી વિધાલય શેત્રુંજી ડેમ ખાતે નિર્માણ પામેલ સારસ્વત ભવનનું લોકાર્પણ તથા ખેડૂત શિબિર યોજાઈ હતી. આ પ્રસંગે મંત્રીએ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને જણાવ્યું હતું કે ઈફકોએ શૈક્ષણિક હેતુસર શેત્રુંજી ડેમ, સંસ્થા તથા આંબલા, દુધાળા, વાળુકડ ગામે સારસ્વત ભવન બનાવી આપી સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવ્યુ છે વર્તમાન સમયમાં દિકરીઓ વધુ જાગ્રુત થઈને ભણવા લાગી છે તેથી સમાજ ઝડપભેર પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે.
આ પ્રસંગે સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો હતો, મહાનુભાવોનું શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી સન્માન કરાયુ હતુ, મહાનુભાવોના હસ્તે વ્રુક્ષારોપણ તેમજ તક્તીનું અનાવરણ કરાયુ હતુ, મહાનુભાવોએ વયનિવ્રુત્ત થયેલ બી. આર. સી. કો-ઓર્ડિનેટર લાલજીભાઈ સોલંકીને શાલ ઓઢાડી અને તેમની કાર્યનિષ્ઠાની સરાહના કરી હતી, ચિત્રકાર રસીક વાઘેલાએ મંત્રી માંડવિયાને ચિત્ર અર્પણ કર્યુ હતુ, ઈફકોએ માન. મંત્રીના હસ્તે સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજુ કરેલ બાલિકાઓને રૂપિયા ૨૧ હજાર નો રોકડ પુરસ્કાર અર્પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઈફકો ન્યુ દિલ્હીના ડાયરેકટર દીલીપભાઈ સંઘાણી,માર્કેટીંગ ડાયરેકટર યોગેન્દ્રકુમાર, સ્ટેટ માર્કેટીંગ મેનેજર એન. એસ. પટેલ, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા,ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, માજી ધારાસભ્ય નાનુભાઈ વાઘાણી, નગરપાલિકા પાલીતાણાના પ્રમુખ જયપાલસિંહ ગોહિલ, માર્કેટીંગ યાર્ડના ચેરમેન નાગજીદાદા, ગોપાલભાઈ વાઘેલા, અરૂણભાઈ દવે, ઘનશ્યામભાઈ શિહોરા, પ્રફુલભાઈ સેંજળીયા, વિનોદભાઈ શર્મા, પ્રાંત અધિકારી પટેલ, ઉત્તર બુનિયાદી વિધાલય સંસ્થા પરિવાર શેત્રુંજી ડેમ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.