ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂધ્ધ વિવાદીત અને હિંમતભરી ટિપ્પણીઓ કરીને છાશવારે વિવાદમાં આવતાં દલીત નેતા અને વડગામની બેઠકનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને જાનથી મારવાની ધમકી મળતાં ગુજરાતના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઇ છે. દલિતો પરના અત્યાચારની ઘટનાઓ બાદ હવે તેમના લોકપ્રિય દલિત નેતા જીજ્ઞેશ મેવાણીને જાનથી મારી નાંખવાની ધમકી મળતાં દલિત સમાજમાં ભારે ચિંતા પ્રસરવાની સાથે સાથે ઉગ્ર આક્રોશની લાગણી પણ ફેલાયેલી જોવા મળી હતી. મેવાણીને ફોન પર રણવિર મિશ્રા નામના શખ્સે ધમકી આપી છે. મેવાણીએ ટિ્વટ કરીને ધમકી મળ્યાનો દાવો કર્યો હતો. જીજ્ઞેશના સાથીદારે ધમકીભર્યો ફોન ઉઠાવ્યો હતો. ખુદ દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તરફથી પોતાનાં ટિ્વટર પર આ મામલે ટિ્વટ કરીને જાણકારી આપવામાં આવી છે.
જેમાં જણાવાયું છે કે, તેમને જાનથી મારી નાખવાની જે ધમકી મળી છે એટલે કે જે ફોન આવ્યો છે. જે તેમનાં નજીકનાં સાથીદારે રિસીવ કર્યો હતો. ફોન કરનાર શખ્સે ફોન કરી જણાવ્યું હતું કે, તુમ જીજ્ઞેશ મેવાણી હો તો, તુમ્હેં ગોલી માર દૂંગા. જીજ્ઞેશનો ફોન તેના સાથી મિત્ર પાસે હતો અને તેણે ફોન ઉઠાવ્યો હતો. ધમકી મળ્યા બાદ તેણે મેવાણીને વાત કરી હતી. જીજ્ઞેશ મેવાણીને જે ધમકી આપવામાં આવી છે તેને લઇ તેનાં નજીકનાં સાથીદારોમાં વિશેષ ચિંતા જોવા મળી રહી છે. જો કે આ ફોન આવ્યો તે એક તપાસનો વિષય છે કે આ ફોન કેટલો સત્ય છે અને પોલીસ પણ આ મામલે તપાસ હાથ ધરી રહી છે. મહત્વનું છે કે આ મામલે હાલમાં કોઇ પણ પ્રકારની આ મામલે જીજ્ઞેશ મેવાણી દ્વારા ફરિયાદ કરવામાં નથી આવી પરંતુ તેઓએ ટિ્વટ કરીને તેનાં વિશે માહિતી આપી છે. જો કે તેમને એવો દાવો કર્યો છે કે કદાચ નજીકનાં જ કોઇ ન સાથીદારે ફોન કરીને ધમકી આપી હોઇ શકે છે. મેવાણીને જાનથી મારી નાંખવાની ધમકી મળતાં ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. અંદરખાને ધમકી ભાજપ અને તેના સમર્થકો તરફથી મળી હોય તેવી ચર્ચા દલિતસમાજમાં જોરશોરથી ચાલી હતી. જો કે, દલિતસમાજ તેમના લોકપ્રિય નેતાને જાનથી મારી નાંખવાની ધમકી મળવાને લઇ ચિંતિત બન્યો હતો અને આ મામલે ઉગ્ર આક્રોશની લાગણી દલિત સમાજમાં ફેલાઇ હતી.