શાળા-કોલેજમાં લાંબુ વેકેશન પૂર્ણ થવામાં છે અને નવુ સત્ર સોમવારથી પ્રારંભ થાય છે. તે પહેલા નાગરીકોએ બાળકોના અભ્યાસના લગતા ટુલ્સની ખરીદી શરૂ કરી છે. જેમાં સ્કૂલ બેગ, પાણીની બોટલ અને ચોપડા સહિતની ખરીદી કરતા જોવા મળી રહ્યાં છે. પરંતુ શૈક્ષણિક સત્ર પહેલા બજારમાં જોઇએ તેવી ખરીદી નથી. મોંઘવારીનું ગ્રહણ લાગી ગયાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. સ્કૂલ બેગની કિંમતમાં ગત વર્ષની સરખામણીએ રૂપિયા ૧૦૦ જેટલો ભાવ વધારો હોવાનું વેપારીઓ જણાવે છે.
લાંબા સમયથી સુના પડેલા શાળાઓના ક્લાસ રૂમ હવે બાળકોની કોલાહલથી ગુંજી ઉઠશે. ત્યારે વેકેશન પૂર્ણ થવા પહેલા બજારમાં અભ્યાસને લગતી શૈક્ષણિક સામગ્રીનું વેચાણ શરૂ થયુ છે. જેમાં સેકટર ૨૧માં વાલીઓ બાળકો સાથે સ્કૂલબેગ, વોટર બોટલ અને બુક સહિતની સામગ્રી ખરીદી રહ્યાં છે.
પરંતુ ગત વર્ષે જેટલી ખરીદી થઇ હતી. તેની સામે આ વર્ષે ખરીદીમાં ઘટાડો થયાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. સેકટર ૨૧ના વેપારી વિમલ કોઠારીએ જણાવ્યું હતું કે મોંઘવારીથીે ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે ૨૫૦૦ સ્કૂલ બેગનું વેચાણ કર્યુ હતું, પરંતુ આ વર્ષે તેટલી બેગનું વેચાણ થયુ નથી. શનિવાર અને રવિવારે ખરીદી થવાની આશા છે. ત્યારે વેપારી યોગેશભાઇ દરજીએ કહ્યું કે ભાવમાં ૧૦૦ સુધીનો વધારો થયો છે. સત્ર બદલાતા વિદ્યાર્થીઓ શાળા-કોલેજમાં નવી બેગ લઇને જતા હોય છે. બજારમાં વિવિધ પ્રકારની બેગ્સ જોવા મળી રહી છે.
બજારમાં મેટી કાપડ અને જીન્સમાંથી બનેલી બેગની માંગ વધારે છે. જેમાં ૨૦૦ રૂપિયાથી લઇને ૩૦૦૦ હજારની બેગો મળી રહી છે. અભ્યાસના પુસ્તકો, લેપટોપ અને પાણીની બોટલ મુકવા માટે વિદ્યાર્થીઓ બેગ ખરીદતા હોય છે. ત્યારે ગાંધીનગર શહેરમાં દર વર્ષની જેમ ઉનાળાના વેકેશન પૂર્ણ થયા પછી નવા શૈક્ષણિક સત્ર માટે ખરીદીનો ધમધમાટ શરૂ થયો છે.