નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ જણાવ્યું છે કે, સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અમલમાં મૂકીને રાજયના મહાનગરો અને નગરોના વિકાસ માટે રાજય સરકારે વિવિધ વિકાસકામો હાથ ધરીને શહેરીજનોની આંતર માળખાકીય સુવિધાઓમાં અનેક ધણો વધારો કર્યો છે.
કલોલ નગરપાલિકા દ્વારા રૂ. ૬.૯૦ કરોડના ખર્ચે ટાઉનહોલ, રૂ. ૧.૧૨ કરોડના ખર્ચે નવીન ફાયર સ્ટેશન, રૂ.૧૬ લાખના ખર્ચે ર્ડા. બી.આર.આંબેડકર આરોગ્ય સંકુલનું લોકાર્પણ અને રૂ. ૩૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૨૩.૫૦ એમ.એલ.ડી. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાત મૂર્હત કર્યાબાદ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કલોલ શહેરની મધ્યમમાં આધુનિક સુવિધાઓ સાથે સજ્જ સુંદર ટાઉનહોલની સુવિધા પ્રાપ્ત થતાં નગરજનોને તથા અન્ય સંસ્થાઓને ઉપયોગી એવી સારી સગવડ ઉપલબ્ધ થઇ છે.
તેમણે આ ટાઉનહોલનું નામ ભારત માતા ટાઉન હોલ રાખવાની જાહેરાત કરી હતી. કલોલના નગરજનોની ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થાય તે માટે ત્રિમંદિરથી છ માર્ગીય રોડ તથા ગાયત્રી મંદિર અને નંદાસણ પાસે પુલનું કામ ઝડપી ગતિએ પ્રગતિમાં છે. કલોલ શહેર વધુ સ્વચ્છ અને સુંદર બને તે માટે ચોમાસા પહેલાં રાજય સરકારના સ્વચ્છતા અભિયાનમાં જોડાઇને કલોલ શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાની નાગરિકોને અપીલ કરી હતી. કલોલ શહેરમાં અન્નપૂર્ણા યોજના હેઠળ રૂ. ૧૦ માં શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થા ટાવર પાસે કરી છે. તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ગાંધીનગર જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે, કલોલ પૂર્વ વિસ્તારની સમસ્યાઓ અને ટ્રાફિકના પ્રશ્નો રસ્તાઓ અને ઓવરબ્રીજ બનવાથી હલ થાય છે.
શહેરીકરણના વિકાસ માટે નાયબ મુખ્યમંત્રી માર્ગદર્શક સમાન છે. રાજય સરકારના લોકોની જરૂરિયાત અને માંગણી મુજબ વિકાસ કામોનું આયોજન કરીને વધુ સારી સુવિધા શહેરીજનોને ઉપલબ્ઘ થાય તે માટે નક્કર આયોજન કરી ઝડપથી વિકાસકામો પૂર્ણ કરે છે.
કલોલ નગરપાલિકાના પ્રમુખ આનંદીબેન પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, કલોલ શહેરના પૂર્વ – પશ્ચિમ વિસ્તારોના છેલ્લા ૨૦ વર્ષમાં સુંદર વિકાસ થયો છે. કલોલના નગરજનોને આધુનિક સુવિધા સાથે સુંદર ટાઉનહોલ ઉપલબ્ઘ થતાં સ્થાનિક જનતાને સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ લાભ મળશે.