વૈદિક પરિવાર અને રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે હિલવુડ્સ સ્કુલ ખાતે ત્રિદિવસીય સ્ટ્રેસ મેનેજમેન્ટના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં શાળાનાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મુખ્ય વક્તા તરીકે વિષય નિષ્ણાત વૈદિક પરિવારનાં ટ્રસ્ટી અને રોટરી ક્લબનાં પૂર્વ પ્રમુખ શ્રી અરવિંદભાઈ રાણા તથા સહયોગી વક્તા તરીકે શ્રી મહેન્દ્રભાઈ ગાંધીએ સેવાઓ પ્રદાન કરી હતી. વર્કશોપનાં સમાપન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા અતિથિ વિશેષ તરીકે હાઉસીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનનાં ઈન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર ડૉ. એસ. કે. નંદા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે અરવિંદભાઈ રાણા દ્વારા લિખિત હિન્દી પુસ્તક શૈક્ષણિક સફળતાનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે સાથે હિલવુડ્સ સ્કુલનાં એટીએલ મેન્યુઅલ પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. વિમોચન બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને તણાવમુક્ત અભ્યાસ કરવાનું જ્ઞાન આપતા આ પ્રકારનાં વર્કશોપનું અનેક જિલ્લાઓમાં સતત આયોજન કરતા રહેવા બદલ વૈદિક પરિવાર અને રોટરી ક્લબને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓને તણાવમુક્ત કરવાનું કાર્ય બહુ મોટું કામ છે.
ડૉ. એસ. કે. નંદાએ કહ્યું હતું કે જો વિદ્યાર્થી સંકલ્પબદ્ધ બની જાય તો કોઈપણ કાર્ય અશક્ય નથી. સામાન્ય વિદ્યાર્થી પણ સંકલ્પ અને પુરૂષાર્થનાં બળે અસામાન્ય કાર્યો કરી શકે છે. તેમણે સામાન્ય પરિવારમાંથી આવતા હોવા છતાં સફળતાના ઉચ્ચ શીખરે કેવી રીતે પહોંચી શકાય તેના ઉપાયો અનેક ઉદાહરણો દ્વારા પ્રસ્તુત કર્યા હતા. વિષય નિષ્ણાત અરવિંદભાઈ રાણાએ વિદ્યાર્થીઓને અંતિમ વ્યાખ્યાનમાં દરરોજ રાત્રે આત્મનિરીક્ષણ કરી પોતાની ભૂલોને જાણી તેને સુધારવા સંકલ્પબદ્ધ બનવા અનુરોધ કર્યો હતો.
રોટર ક્લબ ઓફ કેપિટલનાં પ્રમુખ બી. કે. ચાવડાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. યુવરાજસિંહ વાઘેલાએ ક્લબ દ્વારા ચાલતી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. ડૉ. નરોત્તમ શાહૂ, ડૉ. નિલેશ દેસાઈ, ડૉ. માન સિંઘ, જગતભાઈ કારાણી, જય રાણા, પાર્થ ઠક્કર, ધર્મેન્દ્રસિંહ ચાવડા, ગૌરાંગ રાણા, ગમનભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.