ભંડારિયામાં એક માત્ર એટીએમ આજુબાજુના અનેક ગામના લોકોને પણ આશીર્વાદ રૂપ છે. પરંતુ આ સુવિધા ત્રણેક માસથી બંધ છે. કહી શકાય કે એટીએમના નામે ગ્રાહકોને ઉઠા ભણાવવામાં આવી રહ્યા છે. આ સામે ગ્રાહકવર્ગમાં પ્રબળ કચવાટ સાથે રોષ જન્મ્યો છે.
અહીંની રાષ્ટીયકૃત બેંકની શાખા યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ભંડારિયા ઉપરાંત આજુબાજુના ગ્રામજનો બેંકખાતા ધરાવે છે. બેંકિંગ સમય બાદ કે રજાના દિવસોમાં પૈસા ઉપાડવા એટીએમ પર મોટો મદાર રહેલો છે પરંતુ છેલ્લા ત્રણ માસ કરતાં પણ વધુ સમયથી એટીએમ બંધ પડ્યું છે જેની કોઈ દરકાર લેવાઈ નથી. બેંક દ્વારા અલગ યુનિટ મૂકી એટીએમની સુવિધા ઉભી કરાઈ છે પરંતુ એટીએમ જ બંધ રહેતા ગ્રાહકોને નિરાશ થઈને પરત ફરવું પડે છે. અગાવ પણ એટીએમ આ પ્રકારે બંધ રહ્યાની અનેક ફરિયાદ ઉઠેલી. એટીએમ કામ કરતું હોય ત્યારે એમાં પૈસા હોતા નથી !આમ, એટીએમના નામે ગ્રાહકોને લાંબા સમયથી ઉઠા ભણાવી ચોપડા પર એટીએમ સુવિધા દર્શાવવમાં આવી રહી છે. તેવી રાવ ઉઠી છે.