અમદાવાદ સહિત ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવા વરસાદની આગાહી હજુ પણ અકબંધ રહી છે. ગુરુવારની સરખામણીમાં શુક્રવારના દિવસે અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ઘટીને ૪૧.૬ ડિગ્રી થયું હોવા છતાં બપોરના ગાળામાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તીવ્ર ગરમીનો અનુભવ બપોરના ગાળામાં લોકોએ કર્યો હતો. અમદાવાદમાં બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. રસ્તાઓ ગરમીના કારણે સુમસામ રહ્યા હતા. લોકોની ચામડી દાઝી જવા જેવો અનુભવ આજે બપોરના ગાળામાં થયો હતો. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે પ્રમાણમાં ઓછી ગરમીનો અનુભવ થયો હતો. જો કે, બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગે અકબંધ રાખી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ઘટીને ૪૧.૬ ડિગ્રી રહ્યું હતું. સૌથી વધુ તાપમાન આજે વીવીનગરમાં નોંધાયું હતું જ્યાં પારો ૪૧.૯ રહ્યો હતો. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો જૂન મહિનાના પ્રથમ બે દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૧૦૨ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના બે દિવસના ગાળામાં ૩૦ અને ટાઇફોઇડના ૩૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના બે દિવસના ગાળામાં ૨૩ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જૂન મહિનામાં સાદા મેલેરિયાના ૧૦૪૬ કેસ નોંધાયા હતા. જૂન મહિનામાં ઝેરી મેલેરિયાના કોઇ કેસ નોંધાયા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગના કેસોમાં વધારો નોંધાયો છે. હવામાન વિભાગ તરફથી હિટવેેવને લઇને હવે કોઇ ચેતવણી જારી કરવામાં આવી રહી નથી જેના લીધે લોકોને રાહત થઇ છે. જો કે, હાલમાં લોકો બિનજરૂરીરીતે બહાર નિકળી રહ્યા નથી. રોગચાળાથી બચવાના તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે.