વડોદરા ખાતે ચિંતન શિબિરનું સમાપન

1863

સરકારની નવમી ચિંતન શિબિરનું સમાપન કરાવતા સૌ અધિકારીઓને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પીપલ્સ પરસેપ્શન બદલવાની માનસિકતા અપનાવવા આહવાન કર્યું છે.

તેમણે ઉમેર્યુ કે, ગુડ ગર્વનન્સ માટેની પહેલી શરત સરકારની ઇમેજ જનમાનસમાં પારદર્શી સંવેદનશીલ  સરકારની હોય તે આવશ્યક છે. આપણા સૌનું લક્ષ્ય દંગામુક્ત, બેકારીમુક્ત, ઝૂંપડપટ્ટીમુક્ત, ગરીબીમુક્ત,  કુપોષણમુક્ત, સ્ત્રીભૃણ હત્યામુકત, અંધારામુક્ત, બાળમજૂરીમુક્ત, પ્રદૂષણમુક્ત, ગુંડાગીરીમુક્ત અને છેવાડાના માનવીના કલ્યાણયુક્ત ગુજરાત બને તે છે.  તેમણે આ શિબિર પછી સરકારનું ફોક્સ ઉપેક્ષિત જિલ્લા ઉપેક્ષિત વિભાગો પ્રત્યે રહેશે તેમ જણાવતાં આહવાન કર્યું કે આ નબળી કડીઓ સુધારવાનો પડકાર ઉપાડવા કોઇએ દધીચિ, વશિષ્ઠ બનવું જ પડશે. મુખ્યમંત્રીએ સૌ અધિકારીઓને એસર્ટિવ બની ટેકનોલોજીનો વિનિયોગ કરીને પારદર્શી સ્વચ્છ પ્રશાસન માટે અનુરોધ કર્યો હતો. તેમણે અધિકારોનો ઉપયોગ કરી ફરજ નિષ્ઠાથી કર્તવ્યરત રહીને સુશાસન તેમજ સામાન્ય માનવીના ભલા માટે વૈષ્ણવજન જેવા નિષ્કામ ભાવનો  અનુરોધ કર્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ આ શિબિરનો હેતુ ગાંધીજીના અહિંસા, સત્યનિષ્ઠા, સ્વાવલંબન, અસ્પૃશ્યતા વિહિન, ગ્રામોત્થાનના ગુજરાતના ધ્યેય સાથે જ સરદાર સાહેબના લોખંડી મનોબળ, દ્રઢ નિર્ધાર અને ખેડૂત કલ્યાણકારી, આત્મવિશ્વાસભર સત્યના આગ્રહી ગુજરાતના નિર્માણ માટેના સમૂહ મંથન ચિંતનનો હતો. તે સુપેરે પાર પડશે એવી શ્રદ્ધા વ્યકત કરી હતી.  તેમણે આ અંગે કહયું કે આપણે સૌ મંત્રીઓ, અધિકારીઓ સહિત જેમના શીરે ગુજરાતનું ભલું કરવાની વંચિત, પીડિત, શોષિતના આંસુ લુછવાની જિમ્મેદારી છે તે સૌ કોઇ માટે સાડા છ કરોડ ગુજરાતીઓના કલ્યાણની નવી દિશાના વૈચારિક મંથનની આ ત્રણ દિવસની તપસ્યા સાધના શિબિર હતી.  અધિકારીઓને પ્રેરણા આપતાં એમ પણ ઉમેર્યું કે પ્રજાની જે અપેક્ષાઓ સરકાર પાસે, વહીવટીતંત્ર પાસે છે તેને પરિપૂર્ણ કરવા આપણે ફીડબેક મીકેનીઝમ સહિતની પદ્ધતિ વિકસાવવી પડે. તેમણે નીચેના સ્તરેથી ફીડબેક મેળવવા તેમજ અઠવાડીયામાં કમ સે કમ બે દિવસ સાઇટ વિઝિટ કરીને ગ્રામ્યસ્તરે થતી કામગીરીનો તાગ મેળવવા અધિકારીઓને તાકિદ કરી હતી.  મુખ્યમંત્રીએ પાવર ઇઝ કરપ્ટ એન્ડ એબ્સોલ્યુટ પાવર ઇઝ મોર કરપ્ટ અંગે નુકચેતીની કરતાં કહયું કે પાવરને ડી-સેન્ટ્રલાઇઝ કરીને જરૂર જણાય ત્યાં નીચેના અધિકારીઓ પર ભરોસો વિશ્વાસ રાખીને તેમને અધિકારો પણ આપવાની માનસિકતા દાખવવી પડશે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય અને કયાંય કોઇ ગરબડ ન થાય એ પણ અધિકારીઓ જુએ. તેમણે ઉમેર્યું કે સરકારમાં જે ૧૦-૧૫ ટકા વ્યકિતઓ ભ્રષ્ટ તૌરતરીકાથી વાતાવરણ ડહોળે છે તેમને કડક હાથ ડામી દેવાની સજા કરીને દાખલો બેસાડવાની શરૂઆત જ બાકીના ૮૫ ટકા જે સ્વચ્છ બેદાગ છે તેમને નવું બળ આપશે.

તેમણે શ્રેષ્ઠ કામગીરી માટે પસંદ થયેલા જિલ્લા કલેકટરઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓને હાર્દિક અભિનંદન આપ્યા હતા.ચિંતન શિબિર એક શરૂઆત છે, તેના અર્કના અમલીકરણનો મહત્વનો તબકકો હવે શરૂ થાય છે એવી લાગણી વ્યકત કરવાની સાથે સહુને આવકારતા રાજયના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘએ જણાવ્યું હતું કે તમારી પાસે ટોચનો અનુભવ છે તેનો વિનિયોગ કરીને ગુજરાતને ગૌરવ અપાવો ગુજરાતને દેશનું સૌથી વધુ વેલ ગવર્નડ રાજય બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત બનો.

ગુજરાતને તમામ ક્ષેત્રોમાં ટોચના સ્થાને પહોંચાડવું એ આપણું લક્ષ્ય હોવું ઘટે. તેમણે ખાસ કરીને જિલ્લા સ્તરે બાળ અને માતા મરણ દર ઘટે અને બાળકોનું ૧૦૦ ટકા રસીકરણ થાય તથા મુખ્યમંત્રીની એપ્રેન્ટિસશીપ યોજના યુવાધન માટે રોજગારીનો મહત્તમ સ્ત્રોત બને તેની અધિકાધિક કાળજી લેવા પર ભાર મૂકયો હતો તથા સચિવાલય સ્તરના અધિકારીઓને ચિંતન શિબિરમાં વિચારાયેલા સાત વિષયો હેઠળ અમલીકરણને અગ્રતા આપવા અનુરોધ કર્યો હતો.

Previous articleવાઇબ્રન્ટ સમિટની પેટર્ન બદલવા સરકારનો નિર્ધાર
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે