અમદાવાદ શહેરની એક પરિણિતાએ આજે રહસ્યમય સંજોગોમાં નર્મદા કેનાલમાં પોતાની બે માસૂમ બાળકીઓ સાથે ઝંપલાવતાં ચકચાર મચી ગઇ હતી. જો કે, આ બનાવમાં બંને માસૂમ બાળકીઓના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજયા હતા, જયારે માતાને ફાયબ્રિગેડના જવાનો દ્વારા ભારે જહેમત બાદ બચાવી લેવાઇ હતી અને તેને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાઇ હતી. આ બનાવ અંગે ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ દ્વારા જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પારિવારિક કારણસર માતાએ પોતાની બંને બાળકીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના સૈજપુર બોઘા વિસ્તારમાં રામદેવનગર સોસાયટી ખાતે રહેતાં હંસાબહેન શૈલેષભાઇ ચાવડા નામની પરિણિતાએ આજે તેમની અનુક્રમે સાત અને ચાર વર્ષની બે માસૂમ બાળકીઓ સાથે ગાંધીનગર જિલ્લાના રાયપુર ગામ ખાતે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. પરિણિતાએ પોતાની બે માસૂમ બાળકીઓ સાથે કેનાલમાં ઝંપલાવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે તાત્કાલિક દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જો કે, પાણીમાં ડૂબી જવાના કારણે બંને માસૂમ બાળકીઓના કરૂણ મોત નીપજયા હતા.
જયારે માતાને ભારે જહેમત બાદ બચાવી લેવાઇ હતી પરંતુ તેની તબિયત ગંભીર જણાતાં તેણીને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ડભોડા પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો અને જરૂરી તપાસ હાથ ધરી હતી. બીજીબાજુ, બનાવ અંગે પરિણિતાના પરિવારજનોને પણ જાણ કરાતાં તેઓ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
જો કે, પરિણિતાએ કયા કારણસર બંને માસૂમ બાળકીઓ સાથે આત્મહત્યા કરવાનું અંતિમ પગલું ભર્યું તેનું રહસ્ય હજુ અકબંધ છે કારણ કે, પરિણિતા ભાનમાં આવ્યા બાદ જ સમગ્ર મામલે ખુલાસો થશે. જો કે, પોલીસની પ્રાથમિક તપાસમાં પારિવારિક કારણસર માતાએ આ પગલુ ભર્યુ હોવાની આશંકા સેવાઇ રહી છે.