ગાંધીનગર જિલ્લામાં મેલેરીયા નાબુદી માટે હાથ ધરવામાં આવેલા હાઉસ ટુ હાઉસ સર્વેમાં ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા મેલેરીયા શાખા દ્વારા સઘન કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં ગાંધીનગર શહેર તમામ ગામડાઓને આવરી લઇને કરવામાં આવેલા આ સર્વેમાં તાવનાં ૨૫૨૭ જેટલા કેસો મળવા સાથે ૧૨૨૧૦ સ્થળેથી મચ્છરોનાં બ્રીડીંગ મળતા નાશ કરવામાં આવ્યો હતો. પરંતુ ચોમાસા પુર્વે આટલા વિપુલ પ્રમાણમાં બ્રીડીંગ મળતા ચેતવણી સમાન છે.
તંત્રએ સરવે બાદ જણાવ્યુ હતુ કે જો લોકો પોતાનાં ઘરની આસપાસ કાળજી નહી રાખે તો મેલેરીયા તથા ડેન્ગ્યુની બિમારી માઝા મુકશે. ગાંધીનગર શહેર તથા જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસામાં વરસાદ બાદ મચ્છરોનો ત્રાસ વધવા સાથે મચ્છરોનો ત્રાસ વધવા લાગ છે. જેની સાથે મેલેરીયા તથા ડેન્ગ્યુ જેવી મચ્છરજન્ય બિમારીઓમાં વધારો થાય છે.
ડેન્ગ્યુનાં કારણે મૃત્યુનાં બનાવ પણ સામે આવી ચુક્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૨૨ સુધીમાં મેલેરીયાની નાબુદી માટે મેલેરીયા એલીનીમેશન ૨૦૨૨ અભિયાન શરૂ કરાયુ છે. જે અંતર્ગત જિલ્લામાં ચોમાસા પુર્વે ગત તા ૫મી જુનથી હાઉસ ટુ હાઉસ સર્વેનો ૩જો રાઉન્ડ શરૂ કરાયો હતો. જિલ્લા પંચાયતની મેલેરીયા શાખા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવેલા સર્વેનાં ૫ દિવસમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી તાવનાં ૨૧૩૮ કેસો સામે આવ્યા છે.
તાવનાં આ દર્દીઓનાં બ્લડ સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલી અપાયા છે. જો કે તેનાંથી ગંભીર બાબત મચ્છરોનાં બ્રીંડી મળવાની છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ ૬૨૯૯ સ્થળેથી મચ્છરોનાં બ્રીંડીંગ મળી આવ્યા છે. જેનો નાશ પણ કરી દેવામાં આવ્યો છે. પરંતુ સ્થાનીકો કાળજી નહી લે તો પખવાડીયામાં પાછી સ્થિતી જૈસે થી થઇ જશે.
ગ્રામ્ય વિસ્તારોની સરખામણીએ ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં પણ બ્રીડીંગ મળવાનું પ્રમાણે વધારે રહેતા તંત્રની ચિંતા વધી છે.
કોર્પોરેશનનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર ૫ દિવસનાં સર્વેમાં કુલ ૬૯૧૧ સ્થળેથી મચ્છરોનાં બ્રીડીંગ શોધીને નાશ કરવામાં આવ્યો છે. જયારે તાવનાં કુલ ૩૮૯ કેસો મળ્યા છે. જો કે ગ્રામ્યનો સર્વે પુર્ણ થઇ ગયો છે. પરંતુ શહેરમાં હજુ બુધવાર સુધી સર્વે ચાલનાર છે ત્યારે બ્રીડીંગ અને તાવનાં કેસો વધવાની શકયતા છે.
ચોમાસામાં કાટમાળ તથા ઠેર ઠેર વરસાદી પાણી ભરાવા સાથે મચ્છરોને બ્રિડીંગ માટે અનુકુળ જગ્યા મળી જાય છે. ત્યારે ચોમાસા પુર્વે જ બ્રીડીંગ નાશ કરવા આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
ગત દિવસોમાં બે સર્વે કરી બ્રીડીંગ નાશ કરાયા હતા. તેમ છતા હજુ બ્રીડીંગ મળી રહ્યા છે. બ્રીડીંગમાંથી મચ્છર છતા સપ્તાહનો સમય લાગે છે. વરસાદ નજીક આવી રહ્યો છે. ત્યારે બ્રિડીંગ સામે સતત કામગીરી ચાલુ રાખવામાં નહી આવે તો મચ્છરોનો ત્રાસ વધી જશે.