સૌરાષ્ટ્રમાં કાળચક્ર : ૨ દુર્ઘટનામાં ૮નાં મોત

1276

રાજકોટના કુવાડવા ગામ નજીક રામપર બેટી ગામના પુલ પરથી ૧૮ મહિલા-પુરુષ અને બાળકોને લઇને જઇ રહેલી બોલેરો પીકઅપવાન પુલની ગ્રીલ તોડીને ૫૦ ફૂટની ઉંચાઇથી નદીમાં ખાબકતા એકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું તેમજ ઇજાગ્રસ્ત પૈકી ત્રણના હોસ્પિટલમાં મૃત્યુ થયા હતા. સારવાર હેઠળ રખાયેલા અન્ય ૧૪ પૈકી બેની હાલત ગંભીર હોવાથી મૃત્યુ આંક વધવાની સંભાવના છે.

જ્યારે અન્ય એક ઘટનામાં જૂનાગઢ નજીક રવિવારે વહેલી સવારે વડાલ અને ચોકી વચ્ચે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિનાં મોત નિપજ્યા હતા. જ્યારે ૨૫થી વધુને ઇજા પહોંચી હતી. રાજકોટ અને ગોંડલનો સોની વૈષ્ણવ પરિવાર ઉનાના ગુપ્ત પ્રયાગ ખાતે બેઠકજીના દર્શન કરવા માટે જતો હતો, ત્યારે રસ્તામાં કરુણાંતિકા સર્જાઈ હતી.

પહેલા બનાવમાં પાટણના નાયકા ગામે રહેતા ખેડૂત હર્ષદભાઇ રાઠોડના પુત્ર કેવલ (ઉ.વ.૫) જન્મથી જ સાજો-માંદો રહેતો હોવાથી તેના નિરોગી અને તંદુરસ્ત સ્વાસ્થય માટે પરિવારે માનતા રાખી હતી. હર્ષદભાઇ રાઠોડનો પરિવાર, તેના મામા, ભાઇઓ સહિતના કુટુંબના નાના-મોટા ૧૭ સભ્યો બોલેરો પીકઅપ જીપમાં રવિવારે માનતા ઉતરાવા નિકળ્યા હતા. સતાધાર દર્શન કરીને બપોરે ચોટીલા જવા રવાના થયા હતા. કુવાડવા નજીક રામપર બેટી પુલ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળ આવી રહેલા ડમ્પરના ચાલકે જીપને ઓવરટેક કરવાના પ્રયાસમાં જીપને સાઇડમાં દબાવીને ટક્કર મારતા જીપ પુલની દિવાલ તોડીને નદીમાં ખાબકી હતી. મુસાફરોથી ભરેલી જીપને ૫૦ ફૂટની ઉંચાઇથી પુલ પરથી નીચે નદીમાં પડતા નજરે જોનાર વાહનો ચાલકો તેમજ ગ્રામજનોના હૈયા ધબકારો ચૂકી ગયા હતા. ગ્રામજનો અને વાહન ચાલકોએ માનવતા દાખવીને સીધા ચીને દોડી ગયા હતા અને જીપમાં બેઠલા ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી. અકસ્માતના બનાવની ૧૦૮ને જાણ કરી દેવાતા  ૧૦૮ લઇને મનિષભાઇ ગોંડલીયા સ્થળ પર પહોંચી ગયા હતા. બચાવ કામગીરી માટે કુવાડવા, ગ્રીનલેન્ટ ચોકડી, બેડીપરા, હોસ્પિટલ ચોક અને ચોટીલાથી ૧૦૮ એમ્બ્યુલન્સ તબીબી સ્ટાફ સાથે મીનીટોમાં જ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું જયારે બાકીના ૧૬ ઇજાગ્રસ્તોને ૧૦૮ અને ખાનગી વાહનોમાં અહિંની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં ખડેપગે રખાયેલા તબીબોએ ઇજાગ્રસ્તોની તુરંત સારવાર શરૂ કરી દીધી હતી. સારવાર દરમિયાન બે મહિલા સહિત વધુ ત્રણના મોત નિપજતા મૃત્યુઆંક ચાર થયો હતો આ મૃત્યુઆંક વધવાની સંભાવના છે. જીવલેણ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને પકડવા કુવાડવા પોલીસે કાર્યાવહી શરૂ કરી છે.

બીજા બનાવમાં રાજકોટ અને ગોંડલના સોની વૈષ્ણવ સમાજના એક જ પરિવારના સભ્યો શનિવારે મોડીરાત્રીના રાજકોટથી ઉનાના ગુપ્ત પ્રયાગમાં આવેલી બેઠકજીના દર્શન કરવા માટે ક્રિષ્ના ટ્રાવેલ્સની બસમાં જતા હતા. દરમિયાન રવિવારે વહેલી સવારે જૂનાગઢ પાસે વડાલ અને ચોકી વચ્ચે બંધ પડેલા ટ્રક પાછળ બસ ધડાકાભેર ઘુસી જતા બસનો ભુક્કો બોલી ગયો હતો. અચાનક સર્જાયેલા અકસ્માતના પગલે નિદ્રાધિન મુસાફરોની મરણચીસથી સુમસામ માર્ગો ગૂંજી ઉઠ્યા હતા.

 

Previous articleઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ ત્રણ માસ માટે સ્થગિત
Next articleસરકાર સામે મોરચો ! રાજ્યભરમાં દૂધ અને શાકભાજી રસ્તા પર ફેંકી કોંગ્રેસ-ખેડૂતોનો વિરોધ