સૌરાષ્ટ્ર-કચ્છ કાઠીયાવાડના ઉઝળા ઈતિહાસમાં શૂરવીર, દાનવીર, ખાનદાની સહિત સભ્ય તથા અનુકરણીય આદી-આદર્શ સામાજીક બાબતો સુવર્ણ અક્ષરે લખાયેલી છે. આવી ગાથામાં કોઈ યશગાથાનું પિચ્છુ ઉમેરવું હવે ખુબ કપરૂ થઈ ગયુ છે. પરંતુ લોક ભાતીગળ સંસ્કૃતિ ગ્રામ્ય લોક જીવનની કિર્તી ગાતા દિવસોના દિવસો પણ ઓછા પડે આવી એક ઉઝળી નિરાળી બાબતો પૈકી એક જગજુનો પંથક ગિરમાં વસવાટ કરતો માલધારી સમાજ આ સમાજને આજે પણ હળાભળ કળીયુગનો ‘‘લુણો’’નો સ્પર્શ સુધ્ધા નથી થયો. વર્ષો જુની ખમીર વંતી ખાનદાની શાહી પરોણાગત (મહેમાનગતિ) સહિત રીત રીવાઝ રસમ પણ વર્ષોથી એવાને એવાજ છે. પરંતુ આવાસો ટકાવી રાખવા માલધારી સમાજ બહુ મોટી કિંમત ચુકવી રહ્યો છે. માનવ સર્જીત તથા પ્રકૃતિ દ્વારા નિર્મિત આપદા-વિપદાને હોંશભેર સ્વિકારી પોતાનો ગૌરવવંતો ઈતિહાસ અકબંધ રાખ્યો છે.